• Gujarati News
  • પીપીપી આવાસ સામે વિરાટ સંમેલન, લડત સૌરાષ્ટ્રવ્યાપી બનાવવા એલાન

પીપીપી આવાસ સામે વિરાટ સંમેલન, લડત સૌરાષ્ટ્રવ્યાપી બનાવવા એલાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. રાજકોટ

રાજકોટમાંબિલ્ડરોને ખટવતી કહેવાતી લોકભાગીદારીની આવાસ યોજના સામે છેડાયેલું આંદોલન સૌરાષ્ટ્રવ્યાપી બનાવવાનું એલાન શહેરના ત્રિકોણબાગ ચોકમાં યોજાયેલા મહાસંમેલન દરમિયાન અપાયું હતું. પીપીપી આવાસ યોજનાના બદલે ઝૂંપડપટ્ટી કાયમી કરી આપવાનો બુલંદ સૂર વિરાટ સંમેલનમાં ઉઠ્યો હતો. માગણી સાથે અંદાજે 2 હજારથી વધુ ઝૂંપડપટ્ટીધારકો રેલી સ્વરૂપે મનપા કચેરીએ ગયા હતા અને કમિશનર વિજય નેહરા શહેરમાં હોવાથી ડેપ્યુટી કમિશનરને આવેદન આાપીને લડત હવે વધુ ઉગ્ર બનશે એવી ગર્ભિત ચેતવણી આપી હતી.

સૌરાષ્ટ્ર ઝૂંપડપટ્ટી મહાપરિષદના નેજા હેઠળ રાજકોટના સ્લમ વિસ્તારોમાં જનજાગૃતિ યાત્રા, ધરણાં, રેલી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો ચાલી રહ્યા છે. પીપીપી આવાસ યોજના માત્રને માત્ર બિલ્ડરોને કિંમતી જમીન લહાણી કરવાનો આખો ખેલ છે. જો સરકારને ખરેખર ગરીબોના હિતની પરવા હોય તો ઝૂંપડપટ્ટી રેગ્યૂલરાઇઝ કરી આપે. અગાઉ આવો એક ઠરાવ પણ થઇ ચૂક્યો છે. પ્લે ગ્રાઉન્ડના હેતુના પ્લોટ પર વસેલી વસાહતને રૂ.1ના ટોકનદરથી કાયદેસર કરી દેવાયા હતા.

ભૂતકાળમાં થયેલા ઠરાવની અમલવારી કરીને ઝૂંપડપટ્ટીઓને કાયદેસર કરી આપવામાં આવે એવી માગણીના પડઘા સરકારમાં પાડવા માટે શહેરના ત્રિકોણબાગ ચોકમાં વિરાટ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. સંમેલન બાદ મનપા કચેરીએ જઇને ઝૂંપડપટ્ટી મહાપરિષદના આગેવાનો કરણાભાઇ માલધારી, રાજુભાઇ જુંજા, દાનુભા ઝાલા, સંતોકબેન માલધારી, ભૂપતસિંહ ઝાલા, ઘનશ્યામભાઇ પટેલ સહિતનાની આગેવાની હેઠળ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પૂર્વે મહાસંમેલનમાં ઝૂંપડપટ્ટી મહાપરિષદના આગેવાનોએ સભા સંબોધતા એવું એલાન કર્યું હતું કે, રાજકોટથી શરૂ થયેલું આંદોલન આગામી દિવસોમાં સૌરાષ્ટ્રવ્યાપી બનાવવામાં આવશે. જરૂર પડ્યે હજારો ઝૂંપડપટ્ટીવાસીઓ રોડ પર ઉતરી આવે તબક્કે આંદોલનને વ્યાપક બનાવવામાં આવશે.

જાન દેંગે પર જમીન નહીં દેંગે |રાજકોટ બિલ્ડરોને ખટવતી કહેવાતી પીપીપી આવાસ યોજના સામે ઝૂંપડપટ્ટી મહાપરિષદ દ્વારા ચાલતું આંદોલન વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. શહેરના ત્રિકોણબાગ ચોકમાં વિરાટ સંમેલન યોજાયું હતું. અને અાંદોલન આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર વ્યાપી બનશે એવી ઝૂંપડપટ્ટીવાસીઓએ ચીમકી ઉચ્ચારી હતી.

સમાજના કચડાયેલા તમામ વર્ગને આંદોલનમાં જોડાશે

સમાજનાએવાઅનેક કચડાયેલા વર્ગો છે કે જેને સરકાર દ્વારા બંધારણીય હક અપાતા નથી. મફતિયાપરા ઉપરાંત સૂચિત સોસાયટીઓના રહેવાસીઓ, લારી-ગલ્લા, પાથરણાવાળાઓ, રિક્ષાચાલકો સહિતના ગરીબ પીડિતોને સંગઠિત કરવા સમાજ જોડો યાત્રાનો સોમવારથી પ્રારંભ કરવાનું મહાસંમેલન દરમિયાન નક્કી કરાયું હતું.