• Gujarati News
  • ચોકીદાર પર હુમલો કરી ત્રાપાના જથ્થાની લૂંટ

ચોકીદાર પર હુમલો કરી ત્રાપાના જથ્થાની લૂંટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમોરબી હાઇ‌વે પર રતનપરમાં બની રહેલી બિલ્ડિંગના ચોકીદાર પર મહિલા સહિત ચાર શખ્સોએ હુમલો કરી ત્રાપાની લૂંટ ચલાવી હતી. પોલીસે લુટારુ ગેંગની શોધખોળ શરૂ કરી હતી.

રતનપરમાં નવી બની રહેલી રાજ પેરેડાઇઝ નામની બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે નોકરી કરતો મૂળ ઉત્તરપ્રદેશનો અનુપ મનોરંજનભાઇ પટેલ (ઉ.વ.19) સોમવારે વહેલી સવારે ચાર વાગ્યે બિલ્ડિંગે સૂતો હતો ત્યારે કોઇ સળવળાટનો અવાજ સંભળાતા તે નીંદરમાંથી જાગી ગયો હતો. નિદ્રામાંથી જાગેલા અનુપે નજર કરતા મહિલા સહિત ચાર શખ્સો રિક્ષામાં ત્રાપા ભરી રહ્યા હતા.

ત્રાપા ચોરી રહેલા ચારેય શખ્સોને ચોકીદાર અનુપે પડકારતાં ચારેય શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલો અનુપ ઇજાગ્રસ્ત હાલતમાં પડી જતાં ચારેય શખ્સો રૂ.9 હજારની કિંમતના 30 ત્રાપા રિક્ષામાં ભરીને નાસી ગયા હતા. ત્યાર બાદ ત્યાંથી પસાર થયેલા કોઇ વ્યક્તિની નજર પડતાં ઘવાયેલા અનુપને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવની જાણ થતા કુવાડવા પોલીસે અનુપની ફરિયાદ પરથી મહિલા સહિત ચારેય સામે લૂંટનો ગુનો નોંધી લુટારુઓની શોધખોળ શરૂ કરી હતી.