• Gujarati News
  • પોલીસની ‘દબંગગીરી’થી એસ.ટી. બસનો ચક્કાજામ

પોલીસની ‘દબંગગીરી’થી એસ.ટી. બસનો ચક્કાજામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાળંગપુર-જામનગરરૂટની બસ બુધવારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં પહોંચી હતી ત્યારે ફરજ પર રહેલા ટ્રાફિક પીએસઆઇ સહિતના સ્ટાફે બસના ડ્રાઇવરને ગાળો ભાંડી બસનો પીછો કરી જામનગર રોડ પર અટકાવતા મામલો બિચક્યો હતો. એસ.ટી.બસના ચાલકોએ જામનગર રોડ પર બસના પૈડાં થંભાવી દેતાં થોડીવાર માટે મામલો તંગ થઇ ગયો હતો જોકે બાદમાં બંને પક્ષે સમાધાન થઇ જતા મામલો થાળે પડ્યો હતો.

જામનગર એસ.ટી. ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ અનિલસિંહ જાડેજા અને કંડક્ટર રાજેશભાઇ સોલંકી બુધવારે સવારે સાળંગપુરથી બસ લઇને રાજકોટ એસ.ટી. ડેપો પહોંચ્યા હતા અને થોડીવાર બાદ જામનગર જવા રવાના થયા હતા. બસ સિવિલ હોસ્પિટલ ચોકમાં પહોંચી હતી ત્યારે ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહે મુસાફરો માટે બસ ઊભી રાખતાં ત્યાં ફરજ પર રહેલા ટ્રાફિક શાખાના પીએસઆઇએ બસ આગળ હંકારવાનું કહી ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું અને બસ નજીક જઇ બસનો ડ્રાઇવર તરફનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

માથાકૂટ ટાળવા માટે બસ ચાલક ધર્મેન્દ્રસિંહે ત્યાંથી બસ હંકારી મૂકી હતી. બસ આગળ જતાં પીએસઆઇનો પિત્તો ગયો હતો અને એક ટ્રાફિક પોલીસમેનને બાઇક પર બસનો પીછો કરવા કહ્યું હતું. પોલીસમેને જામનગર રોડ પર બજરંગવાડી ચોકી પાસે બસ ઊભી રખાવી હતી અને તે સાથે પીએસઆઇ સહિતનો કાફલો પણ ત્યાં પહોંચી ગયો હતો. બીજીબાજુ ટ્રાફિક પોલીસની દબંગગીરીની જાણ થતાં જામનગર રોડ પરથી પસાર થઇ રહેલી અન્ય સાતેક બસના ચાલકોએ પણ બસના પૈડાં થંભાવી દીધા હતા. અંગેની જાણ થતા એસ.ટી.ના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા વિસેક મિનિટ સુધી વાર્તાલાપના અંતે એસ.ટી. અને પોલીસ અધિકારીઓએ સમાધાન કરી લેતાં બસ નિયત સ્થળે જવા રવાના થઇ હતી.

ટ્રાફિક પોલીસ અને બસ ચાલક વચ્ચે માથાકૂટ થયા બાદ પોલીસ અને એસટીના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો.