• Gujarati News
  • પેટ્રોલપંપના સંચાલકની કાર પર પથ્થરમારો કરી ધમકી આપી

પેટ્રોલપંપના સંચાલકની કાર પર પથ્થરમારો કરી ધમકી આપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલિયાસણ પાસેથી આરોપીઓની ધરપકડ
રાજકોટની ભાગોળે કુવાડવા હાઇવે પર માલિયાસણ નજીક પેટ્રોલપંપના સંચાલકની કાર પર પથ્થરમારો કરી પાંચ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી દેતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે પાંચ પૈકીના ચાર આરોપીને દબોચી લીધા હતા.
નાનામવા મેઇન રોડ પરની ચિત્રકુટ સોસાયટીમાં રહેતા અને કુવાડવા હાઇવે પર પેટ્રોલપંપ ધરાવતા કમલેશભાઇ વશરામભાઇ રામાણી (ઉ.વ.૪૦) બુધવારે રાત્રિના પોણાબાર વાગ્યાના અરસામાં પેટ્રોલપંપથી પોતાની બીએમડબલ્યુ કારમાં બેસી રાજકોટ આવવા નીકળ્યા હતા અને માલિયાસણ પાસે પહોંરયા હતા ત્યારે માલિયાસણમાં જ રહેતા જાદવ રામજી ગોવાણી, રણછોડ રામજી ગોવાણી, સુનિલ જાદવ તથા રણછોડના બે પુત્રોએ કાર અટકાવી હતી. કાર અટકતાં જ પાંચેય શખ્સોએ કારમાં પથ્થરમારો કરી કાચનો કડૂસલો બોલાવી દીધો હતો અને કમલેશભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી પાંચેય શખ્સો નાસી છૂટયા હતા.
બનાવને પગલે કમલેશભાઇ કુવાડવા રોડ પોલીસસ્ટેશને દોડી ગયા હતા અને બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. કમલેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે પોતાનું ખેતર જાદવને વાવવા આપ્યું હતું.
જાદવે ખેતરમાં ખાતરનો છંટકાવ પણ કરી દીધો હતો. બાદમાં કમલેશભાઇએ ખેતર ખાલી કરી આપવાનું કહી અન્યને આપવાની તૈયારી કરતા તે મામલે ચાલતા વિવાદમાં આરોપીઓએ હુમલો કર્યોહતો.
પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી ચારેય શખ્સોની ધરપકડ કરી હતી. જયારે નાસી છૂટેલા જાદવની શોધખોળ શરૂ કરી હતી.