• Gujarati News
  • સામાકાંઠે ડિમોલિશન વખતે ટોળાં અને મનપાના સ્ટાફ વચ્ચે માથાકૂટ

સામાકાંઠે ડિમોલિશન વખતે ટોળાં અને મનપાના સ્ટાફ વચ્ચે માથાકૂટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટનામોરબી રોડ સહિત સામાકાંઠે ચાર સ્થળે ગેરકાયદે બાંધકામનો કડૂસલો બોલાવવા મનપાનું બુલડોઝર ધણધણ્યું હતું. દરમિયાન વોર્ડ નં.5માં સદ્દગુરુપાર્કની બાજુમાં આવેલા રઘુવીરપાર્કમાં અનામત પ્લોટમાં થયેલા બાંધકામના ડિમોલિશન વખતે ટોળાં અને મનપાના સ્ટાફ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે વિજિલન્સ બંદોબસ્ત સાથે હોય ટોળાંને વિખેરીને બાંધકામનો કડૂસલો બોલાવી દેવાયો હતો.

ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, રઘુવીરપાર્ક, જલારામ સોસાયટી, પુરુષોત્તમપાર્ક અને 80 ફૂટ રોડ પર કુલ બાંધકામ તોડાયા હતા. પૈકી વોર્ડ નં.5માં સદ્દગુરુપાર્કની બાજુમાં આવેલા રઘુવીર પાર્કમાં ટીપી સ્કીમ નં.15ના ફાઇનલ પ્લોટ નં.12/એ(કોમ્યુનિટી સેન્ટરના હેતુ માટે રિઝર્વ રાખેલો પ્લોટ)માં ત્રણ રહેણાક મકાન અને બે પ્લીન્થ લેવલનું બાંધકામ ખડકાઇ ગયું હતું. તેનું ડિમોલિશન કરવા માટે મનપાનો સ્ટાફ પહોંચતાં ટોળાંએ ઘેરી લીધા હતા. દરમિયાન કોઇએ કાંકરીચાળો કરીને મનપાની જીપનો કાચ પણ ફોડી નાખ્યો હતો. જો કે બાદમાં વિજિલન્સ બંદોબસ્તે સ્થિતિ સંભાળી લેતા મોટી માથાકૂટ થતા સહેજમાં રહી ગઇ હતી. અન્ય સ્થળે મોરબી રોડ પર જલારામ સોસાયટીમાં આવાસ યોજના માટેના અનામત પ્લોટમાં એક રહેણાક મકાન જ્યારે 80 ફૂટ રોડ પર ટીપીના રસ્તા ઉપર એક ઝૂંપડું તોડી પડાયું હતું.

ડિમોલિશન વેળાએ લોકો અને તંત્ર વચ્ચે ચડભડ થઇ જતાં મનપાના વાહનના કાચ તોડી નખાયા હતા.