• Gujarati News
  • સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા વરિષ્ઠોનું સન્માન, સાંપ્રત સ્થિતિ અંગે વિચારણા થશે

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા વરિષ્ઠોનું સન્માન, સાંપ્રત સ્થિતિ અંગે વિચારણા થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રરચનાત્મક સમિતિનું સંમેલન આગામી 14 એપ્રિલના રોજ મળશે જેમાં વરિષ્ઠોનું સન્માન,

તેમજ જયાબેન શાહના સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવશે. સાંપ્રત

સ્થિતિ અંગે વિચારણા પણ બેઠકમાં કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી વલ્લભભાઇ લાખાણી અને દિપેશભાઇ બક્ષીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો ઇતિહાસ ઉજવળ છે, વર્ષો પુરાણી સંસ્થા અને તેની સાથી સંસ્થાઓ તત્કાલીન સમયે ગાંધીજીના રચનાત્મક કામ કરતી હતી. તેઓના પરિવારનું મિલન સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળે થતું હતું. હવે આવું સંમેલન સમયાંતરે મળે છે. આવું બૃહદ પરિવાર સંમેલન આગામી 14 એપ્રિલના રોજ જાગનાથ પ્લોટમાં આવેલી નંદવાણા બ્રાહ્મણ બોર્ડિંગમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના અધ્યક્ષ દેવેન્દ્રભાઇ દેસાઇના અધ્યક્ષ સ્થાને મળશે.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ જયાબેન શાહનું ગત 14 એપ્રિલે નિધન થયું હોય તેને અનુલક્ષીને સંમેલનમાં સવારે 10 થી 1 દરમિયાન પ્રથમ સત્રમાં જયાબેન શાહ સ્મૃતિગ્રંથનું વિમોચન થશે. ગ્રંથનું વિમોચન મુંબઇ વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ અને જાણીતા ગાંધીવિચારક ચંદ્રશેખર ધર્માધિકારીના હસ્તે થશે.

વિમોચન બાદ સાંપ્રત પરિસ્થિતિ અંગે વિચારણા કરાશે. પ્રથમ સત્રની શરૂઆતમાં સમૂહ કાંતણ અને પ્રાર્થના થશે.

બીજા સત્રમાં બપોરે 3 થી 6 દરમિયાન સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સામાન્ય સભ્યોમાંથી જે વિદ્યમાન છે અને જે નિવૃત્ત કેન્દ્ર વ્યવસ્થાપકો વિદ્યમાન છે તેવા 75 વર્ષથી વધુ ઉંમરના વડીલની સન્માન વંદના થશે. જેમાં ગુણવંતભાઇ પુરોહિત, ગોકળદાસ પરમાર, સરોજબેન અંજારિયા, મોહનભાઇ પટેલ, અનિલભાઇ ભટ્ટ, મનુભાઇ મહેતા, પતુભાઇ ખીમાણી, ઉષાકાંતભાઇ માંકડ, સવશીભાઇ મકવાણા, યશવંતભાઇ ત્રિવેદી, છેલભાઇ શુકલ સહિત 50 જેટલા વડીલોનું સન્માન થશે.

કાર્યક્રમમાં ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા સંઘ, આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, નશાબંધી મંડળ, હરિજન સેવક સંઘ, નઇ તાલીમ, ગુજરાત વિદ્યાપીઠ વગેરે સંસ્થાના હોદ્દેદારોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે, તેમજ ઇલાબેન ભટ્ટ, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અનામિક શાહ, પૂર્વ કુલનાયક સુદર્શન આયંગર, અક્ષય શાહ અને અમિત અવસ્થી વગેરે ઉપસ્થિત રહેશે.

જયાબેન શાહના સમૃતિ ગ્રંથનુ ચંદ્રશેખર ધર્માધીકારીના હસ્તે વિમોચન થશે