• Gujarati News
  • લૂંટના ભાગ મુદ્દે યુવાન પર સાથીદારનો હુમલો

લૂંટના ભાગ મુદ્દે યુવાન પર સાથીદારનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાસહકાર મેઇન રોડ પર સમીસાંજે યુવાન પર તેના બે સાથીદારોએ છરીથી હુમલો કર્યો હતો. બંને શખ્સોએ જાહેરમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. અગાઉ કરેલી લૂંટની ભાગબટાઇના મુદ્દે ઝઘડો થતા ખૂની હુમલો થયાનું બહાર આવ્યું હતું.

ગાંધીગ્રામમાં માર્કેટ પાસે રહેતો સંદીપ ઉર્ફે સૂરજ અરૂણભાઇ મકવાણા રવિવારે સાંજે પાંચેક વાગ્યે સહકાર મેઇન રોડ પર ત્રિશૂલ ચોકમાં હતો ત્યારે યાજ્ઞિક ઉર્ફે રાધે ઉર્ફે બાઠિયો વાલજી કોળી અને વિજય કોળી નામના શખ્સે ઝઘડો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા બંને શખ્સોએ સંદીપને છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું અને હાથ તથા પગમાં છરીના ઘા ઝીંકી દીધા હતા.

સંદીપ મકવાણા અને યાજ્ઞિક તથા વિજય કોળી ચારેક મહિના અગાઉ અટિકા વિસ્તારમાં થયેલી લૂંટમાં સંડોવાયા હતા અનેે કેસમાં સંદીપની ધરપકડ થતાં જેલમાં ધકેલાયો હતો. બે મહિના પૂર્વે જેલમાંથી છૂટેલા સંદીપ સાથે લૂંટના મુદ્દામાલની ભાગબટાઇના મુદ્દે ઝઘડો કરી બંને સાથીદારોએ હત્યાની કોશિશ કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પોલીસે બંને હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.