• Gujarati News
  • ધો. 6 થી 8માં શિક્ષકોની ભરતીમાં સરકાર ઉદાસીન

ધો. 6 થી 8માં શિક્ષકોની ભરતીમાં સરકાર ઉદાસીન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાંધો.6 થી 8માં 25 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા વિભાગમાં ભરતીના મુદ્દે ભારે ઉદાસીનતા સેવવામાં આવી છે અને હવે 2 વર્ષ બાદ માત્ર 4348 શિક્ષકોની ભરતી કરાય તેવી સંભાવના ઊભી થઇ છે.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં એક વર્ષમાં ધો.6 થી 8ની ભરતી માટે ટેટ-2ની વર્ષ-2013 અને 2014માં બે વખત પરીક્ષા લેવાયા બાદ પણ માત્ર ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જ્યારે ભાષા સહિતના અન્ય વિષયોના શિક્ષકોની ભરતી પર એકાએક પડદો પાડી દેવામાં આવી ગયો હતો. ઉચ્ચ પ્રાઇમરી વિભાગમાં 25 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાં સરકાર દ્વારા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત જેવી પ્રાણવાન ભાષાઓના શિક્ષકોની ભરતી પ્રત્યે અગમ્ય કારણોસર દુર્લક્ષ સેવવામાં આવી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. એક તરફ સરકાર દ્વારા ભણતરનું સ્તર સુધારવા ભરચક્ક પ્રયાસો કરવામાં આવી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં હજુ પણ હજારો જગ્યાઓ શિક્ષકોની ખાલી છે. શિક્ષક વગરનું ભણતર શાળામાં કેવું હોય તે સમજી શકાય તેવી બાબત છે.

84 જગ્યાઓ ખાલી: વ્યાસ

રાજકોટજિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન વ્યાસે જણાવ્યું હતું કે ઉચ્ચ પ્રાઇમરી વિભાગમાં 84 જગ્યાઓ રાજકોટ જિલ્લામાં ખાલી હોવાનો રિપોર્ટ સરકારમાં કરાયો છે. જેમાં 47 સામાજિકવિજ્ઞાન, 30 ગણિત-વિજ્ઞાનના શિક્ષકો અને 7 ભાષાઓના શિક્ષકનો સમાવેશ થાય છે. તેમાં રોસ્ટર પ્રમાણે ભરતી કરાશે, જ્યારે ધો.1 થી 5ની 45 જગ્યાઓ મંજૂર થઇ છે.