સૌરાષ્ટ્રમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી નવા પ્રોજેક્ટ આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ સૌરાષ્ટ્ર માટે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 બહુ મહત્ત્વની બની રહેશે. અત્યાર સુધીની તમામ સમિટથી સૌરાષ્ટ્રમાં ખાસ રોકાણ આવ્યું નથી, પરંતુ હવે મુખ્યમંત્રી તરીકે રાજકોટના વિજયભાઇ હોવાથી સૌરાષ્ટ્રમાં નવું રોકાણ આવશે તેવી આશા છે. રાજ્ય સરકારના ઇન્ડેક્સબી વાઇબ્રન્ટ સમિટ માટે તૈયારી કરી રહ્યું છે અને 200થી વધુ પ્રોજેક્ટ માટે પ્રોફાઇલ તૈયાર કરી છે. જેમાંથી સૌરાષ્ટ્રના ફાળે નવું રોકાણ આવે તેવી ધારણા છે.
CM રાજકોટમાં નવું રોકાણ આવે તે માટે ખાસ પ્રયાસ કરશે

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્ય સરકાર માટે અત્યંત મહત્ત્વની છે, કારણ કે ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી છે. ચૂંટણીને ધ્યાને રાખી સમિટમાં વાસ્તવિક રોકાણ કરનાર ઉપર સરકાર ખાસ ધ્યાન આપશે. આ સમિટમાં સૌરાષ્ટ્રમાં મોટી રોકાણ આવે તેવી શક્યતા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ઇન્ડેક્સ બીના અધિકારી કે.સી.વ્યાસે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017માં 200 જેટલા પ્રોજેક્ટ માટે પ્રોફાઇલ તૈયાર થઇ રહી છે. સમિટમાં સૌરાષ્ટ્ર માટે પણ અનેક રોકાણકારોને રસ હોવાનું ધ્યાને આવ્યું છે. જો કે, રોકાણકારોને ક્યા સ્થળે રોકાણ કરવું તે અંગેની માહિતી ઇન્ડેક્સ બી પૂરી પાડશે, અંતિમ નિર્ણય રોકાણકાર લેશે.
ઇન્ટરનેશનલ ટ્રેડ શોથી નવો બિઝનેસ મળશે

સૌરાષ્ટ્ર-કચ્છ વેપાર ઉદ્યોગ મહામંડળ આગામી 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટમાં ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું આયોજન કરી રહ્યું છે. સંસ્થા દ્વારા આ ત્રીજો ટ્રેડ શો થઇ રહ્યો છે, જેમાં આફ્રિકા, ગલ્ફ અને યુરોપ, સાઉથ એશિયાના 30થી વધુ દેશોના 500 ફોરેન ડેલિગેટ આવશે. સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગપતિ સાથે આ ફોરેન ડેલિગેટ બીટુબી મિટિંગ કરશે. ટ્રેડ શોથી સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને 100 કરોડના ઓર્ડર મળશે તેવી આશા સંસ્થાના પ્રમુખ પરાગ તેજુરાને છે.
સિરામિક સમિટમાં 20 નવી કંપનીના MOU થશે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 પહેલા ડિસેમ્બર 2016માં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સિરામિક સમિટનું આયોજન કરાયું છે. આ સિરામિક સમિટમાં મોરબી ઉપરાંત થાનગઢ, હિંમતનગરની સિરામિક ફેક્ટરીઓ ભાગ લઇ રહી છે. સમિટની મુલાકાતે દેશ-વિદેશથી અનેક ડેલિગેટ આવી રહ્યા છે. આ સમિટમાં નવી 20 સિરામિકની ફેક્ટરી ઊભી કરવા માટે એમઓયુ કરવામાં આવશે. - જગત શાહ, આયોજન સિરામિક સમિટ
અન્ય સમાચારો પણ છે...