મતદાન અગાઉ થઇ શકે છે રાજકીય ધડાકો: આજે હાર્દિક-કોંગ્રેસનો ‘રાઝ’ લીક થશે!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છની 54 તેમજ સુરતની 16 બેઠક પર 9મી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માં હાર્દિક પટેલનો પ્રભાવ આ વિસ્તારોની બેઠકો પર હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિમાં અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, મતદાનના એક દિવસ પહેલા, 8મી ડિસેમ્બરના રોજ ખળભળાટ મચાવે તેવો એક મોટો રાજકીય ધડાકો થઇ શકે છે. હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચે થયેલી કોઈ ગુપ્ત વાત ચિતની ટેપ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.


હાર્દિક પટેલ અને તેના આંદોલનના સાથીદારોની કથિત સેક્સ વિડીયો ટેપ જાહેર થયા પછી પણ હાર્દિક પટેલની પાટીદાર સમાજમાં સ્વીકૃતિ યથાવત જણાઈ છે. હાર્દિકે રાજકોટ, મોરબી અને સુરતમાં કરેલી મહા ક્રાંતિ સભાઓમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. ત્યારે હવે હાર્દિકના પાટીદાર સમાજ પરના પ્રભાવને કારણે મતદાનની પેટર્ન પર નિર્ણાયક અસર પડી શકે છે. આથી તેને બેઅસર કરવા માટે એક મરણિયો પ્રયાસ કરાય અને તેમાં હાર્દિક અને કોંગ્રેસના કોઈ નેતા વચ્ચે થયેલી વાતને જાહેર કરવામાં આવે તેમ સૂત્રોનું કહેવું છે.

 

આ વાતમાં કોઈ આર્થિક બાબત અથવા ટિકિટોની ફાળવણીને લઈને કોઈ ચર્ચા અથવા તો એવી કોઈ વાત કે જે હાર્દિકની સમાજ પ્રત્યેની વફાદારી સામે પ્રશ્નાર્થ ઉભો કરે તેવું સાબિત કરવામાં મદદરૂપ આ ટેપ થાય તેવી સંભાવના છે.

 

હાર્દિક : અનામત અગત્યની નથી તે દર્શાવવા પ્રયાસ

 

હાર્દિક પટેલની કથિત સેક્સ વિડીયો જાહેર થયા પછી પણ પાટીદારોમાં તેની સ્વીકૃતિ યથાવત એટલા માટે રહી કારણકે, હાર્દિકે તેના મુખ્ય ધ્યેય એટલેકે પાટીદારો માટે અનામતના મુદ્દે કોઈ સમાધાન કર્યું ન હોવાની દલીલ કરી હતી. જેને સમાજે સમર્થન આપ્યું હતું. આથી જો હાર્દિકની પ્રાથમિકતા અનામત નથી પણ કોઈ વ્યક્તિગત મહત્વકાન્ક્ષા છે તેવું સાબિત કરી શકાય તો ચૂંટણીના એક દિવસ પહેલા પાટીદાર સમાજની મતદાનની સંભવિત પેટર્ન પર મોટી અસર પડી શકે. તેથી આવુંજ કંઈક સાબિત કરવાનો પ્રયાસ થઇ શકે તેમ સૂત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...