બોગસ ડિગ્રી કૌભાંડઃ એજન્ટો જ ‘મુરઘા’ શોધીને તેનો ફીડબેક કૌભાંડીઓને આપતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ જામનગર અને રાજકોટના બોગસ ડિગ્રી કૌભાંડમાં વધુ એક નવો ફણગો ફૂટ્યો છે, જેમાં દિલ્હી અને અન્ય રાજ્યોના એજન્ટો જ રાજકોટના કૌભાંડી પિતા, પુત્ર અને પુત્રીને બોગસ ડિગ્રી વેચવા માટે ‘મુરઘા’ શોધી આપતા હોવાનું બહાર આવ્યું છે દિલ્હીના એજન્ટને ઝડપી લેવા જામનગર પોલીસે કવાયત આદરી છે અને એક ટીમ દિલ્હી જવા રવાના થઇ ગઇ છે.
દિલ્હીના મુખ્ય સૂત્રધારને દબોચી લેવા માટે જામનગર પોલીસની ટીમ રવાના

પોલીસ અધિકારી સમીર સારડાએ મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું હતું કે ચીટર પિતા, પુત્ર અને પુત્રીએ માત્ર બે થી અઢી વર્ષના ટૂંકાગાળામાં 200થી વધુ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે આ કૌભાંડિયાઓએ ડિગ્રી વાંચ્છુકોનો સંપર્ક કેવી રીતે કર્યો ω તે દિશામાં તપાસ કરતા ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.

દિલ્હી અને અન્ય રાજ્યના એજન્ટો જ પુષ્કર ઉપાધ્યાય, તેના પુત્ર ભ્રીગુ અને પુત્રી દીપિકાને બોગસ ડિગ્રી વેચવાના ‘મુરઘા’ શોધી આપતા હતા. આ એજન્ટો અને કૌભાંડિયાઓ નોકરી ડોટ કોમ જેવી સાઇટ પર સર્ચ કરી નોકરીની શોધમાં હોય અને ઓછી ડિગ્રી ધરાવતા હોય તેવા લોકોનો સંપર્ક કરતા હતા અને ધો.10 પાસ હોય તેને ધો.12 પાસ કરાવી દેવાની અને ધો.12 પાસ હોય તેને ગ્રેજ્યુએટ કરી દેવાની લાલચ આપી પોતાની માયાજાળમાં ફસાવતા હતા. ડિસ્ટન્સ એજ્યુકેશન માટે વાતચીત કરવા ગયા બાદ ખબર પડે કે પૈસા દઇને ડિગ્રી મળે છે એટલે લઇ લ્યો તેવી નીતિ અપનાવતા હતા.
લાઇસન્સ માટે ધો.10ની ડિગ્રી લેવા ગયેલા ને બીએસસી કેમિસ્ટ્રી બનાવી દીધો
પોલીસે પકડેલા ભાવેશ નકુમ નામના આરોપીએ એવી કબૂલાત કરી હતી કે પોતે ધો.8 સુધી ભણેલો છે અને લાઇસન્સ માટે ધો.10ની ડિગ્રી લેવા આરોપીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ આરોપીઓએ તેને વધુ સારી ડિગ્રી કઢાવી લેવાની લાલચ આપી ધો.10 અને 12ની ડિગ્રી તો રૂ.15-15 હજારમાં કાઢી આપી હતી પરંતુ ત્યારબાદ આરોપીઓએ તેને બીએસસી કેમિસ્ટ્રીની ડિગ્રી પણ રૂ.15 હજાર લઇ કાઢી આપી હતી.

રીફંડ લેનારાઓને સાક્ષી બનાવાશે

અમુક લોકોને આ શખ્સો બોગસ ડિગ્રીનો વેપલો કરે છે તે ખબર ન હતી અને તેઓ ડિસ્ટન્સ એજ્યુકેશનના નામે છેતરાયા હતા અને બાદમાં ખબર પડતા આ લોકોએ પોતાના નાણા રિફંડ લઇ લીધા હતા. આ નાણા રિફંડ લેનારા તમામને સાક્ષી બનાવવામાં આવશે.

ડિગ્રી ખરીદનારાની પોલીસ ધરપકડ કરશે

પોલીસ ઇન્સ્પેકટર સમીર સારડાએ જણાવ્યું હતું કે જે લોકોએ બોગસ ડિગ્રી કઢાવી છે તે તમામે ગુનો કર્યો હોય તમામની ધરપકડ કરાશે. અત્યાર સુધીમાં જામનગર અને રાજકોટના 125 જેટલા લોકોએ બોગસ ડિગ્રી કઢાવ્યાનું બહાર આવ્યું છે.

પીપાવાવ પોર્ટનો કર્મી પણ શિકાર બન્યો

પીપાવાવ પોર્ટ પર ફરજ બજાવતો પરબતભાઇ સોલંકી નામના કર્મચારીએ પીએચડી કરવા માટે ડ્રીમ એજ્યુકેશનમાં રૂ.1.30 લાખની ફી ભરી હતી અને તેને આરોપીઓ સીધી ડિગ્રી આપી દેવાના હતા. ખોટું થઇ રહ્યાની શંકા જતા પરબતભાઇએ રિફંડ માગ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...