મોરબીમાં બસ ડેપોના નિયમિત ધાંધિયાથી વિદ્યાર્થીઓ થાક્યા, અંતે ચક્કાજામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીઃ મોરબી એસ.ટી. ડેપોની ગ્રામ્યપંથકની ચાલતી બસોમાં અનિયમિતતાની હંમેશા ફરિયાદ જોવા મળે છે. તેમજ ગામડાની બસો સમયસર આવતી ન હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસરો પડે છે. નોકરિયાત વર્ગના લોકો પણ સમયસર કામકાજના સ્થળે પહોંચી શકતા નથી. ગ્રામ્ય પંથકની બસો નિયમિત ચલાવવા માટે ડેપો દ્વારા કોઈ સુનિયોજિત આયોજન કરવામાં આવતું નથી. જેથી છાશવારે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે જેતપર ગામના વિદ્યાર્થીઓએ થોડીવાર માટે ડેપોમાં આવતી જતી બસોને રોકીને પોતાનો રોષ ઠાલવ્યો હતો અને જેતપર ગામની બસ નિયમિત દોડાવવાની માગ કરી હતી.
ગ્રામ્ય પંથકની બસો નિયમિત ચલાવવા ડેપો દ્વારા કોઈ સુનિયોજિત આયોજન નથી

જેતપર ગામથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મોરબી આવતા હોય છે. આ રૂટ પર આવતા અન્ય ગામોની જેમ જ જેતપર (મચ્છુ) ગામની બસ પણ નિયમિત હોતી નથી. છેલ્લા કેટલાક સમયથી બસ ક્યારેક આવે અને ન આવે તેવી સ્થિતિ છે તો બસો સમયસર ન આવતી હોવાની ફરિયાદો પણ વિદ્યાર્થીઓ વારંવાર ઉઠાવતા રહે છે.
વિદ્યાર્થીઓએ એસ.ટી. તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો

હજુ થોડા સમય પૂર્વે જ અન્ય ગામના વિદ્યાર્થીઓ દ્વારા ડેપોમાં બસો રોકીને ચક્કાજામ કર્યા બાદ પણ તંત્રની આંખ ખુલી નથી અને જેતપર ગામની બસ મામલે આજે વિદ્યાર્થીઓના સમુહે ડેપોમાં આવતી જતી બસોને રોકીને ચક્કાજામ કર્યો હતો. કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામ જાકાસણીયા પણ ડેપો ખાતે આવી ગયા હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને સાંભળ્યા હતા. વિદ્યાર્થીઓએ કોંગ્રેસ અગ્રણી સાથે વાતચીત દરમિયાન એસ.ટી. તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓના આંદોલનને ટેકો આપવા પહોંચેલા કોંગ્રેસ અગ્રણીની આગેવાનીમાં છાત્રોએ ડેપોના અધિકારીઓ સમક્ષ બસો સમયસર અને નિયમિત દોડાવવાની માંગ કરી હતી.ડેપોના અધિકારીઓએ આશ્વાસન આપીને છાત્રોના ગુસ્સાને શાંત કર્યો હતો. તો રોષે ભરાયેલા છાત્રોએ પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો એસ.ટી. ડેપોમાં વધુ આંદોલન ચલાવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...