શિવ ગ્રૂપ ટ્યૂશનના શિક્ષક, શિક્ષિકા, પ્યૂને ધો.12ના વિદ્યાર્થીને માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટમાં ટયુશનના શિક્ષકો અને પ્યૂને સાથે મળી ધોરણ 12ના વિદ્યાર્થીને બેફામ માર મારતા સારવાર લેવાનો વખત આવ્યો હતો. અંતે મામલો પોલીસમાં પહોંચતા પોલીસે વિદ્યાર્થીને ઢોર માર મારનાર શિક્ષક અને પ્યૂનની ધરપકડ કરી છે.


80 ફૂટ રોડ, ખોડિયારનગર-3માં રહેતા ધો.12માં અભ્યાસ કરતાં મયૂર પ્રવીણભાઇ વાળા નામના વિદ્યાર્થીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે પૂજારા પ્લોટ-6માં આવેલા શિવ ગ્રૂપ ટયુશન અને સ્કૂલમાં ભણે છે. દરમિયાન મંગળવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં તે લઘુશંકા કરી પરત વર્ગમાં આવતા વર્ગના શિક્ષકે તેને બહાર ઊભું રહેવાનું કહ્યું હતું. આ સમયે અહિના શિક્ષિકા દિક્ષાબેન ત્યાંથી નીકળતાં તું કેમ બહાર ઊભો છે.


મયૂરે જવાબ આપતાંની સાથે જ શિક્ષિકા તાડૂકી ઉઠયાં હતા. તું મારી સામે મોટા અવાજે કેમ વાત કરે છે. કહી લાફાવાળી શરૂ કરી હતી. જેથી દેકારો થતાં અન્ય શિક્ષક કૃણાલ ઉર્ફે કાનાભાઇ કનેરિયા અને પ્યૂન કિસન ગોંડલિયા દોડી આવ્યાં હતા અને તે પણ ઢીકાપાટુ તેમજ કમર પટ્ટા વડે તૂટી પડી હડધૂત કર્યો હતો. બાદમાં રાતે ઘરે જતાં મારને કારણે શરીરમાં દુ:ખાવો થતાં પરિવારજનો મયૂરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. અહીં ભક્તિનગર પોલીસે મયૂરની વિગતો સાંભળ્યાં બાદ શિક્ષક કૃણાલ, શિક્ષિકા દિક્ષાબેન અને પ્યૂન કિસન સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે કણાલ અને પ્યૂન કિસનની ધરપકડ કરી હતી. ચકચારી બનાવની વધુ તપાસ એસસીએસટી સેલના એસીપીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...