તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટઃ સૈનિક નિધિમાં વરિષ્ઠ નાગરિકનું 11,11,111નું યોગદાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના રાજકોટના વરિષ્ઠ કાર્યકર ડો.હર્ષદ પંડિતે બુધવારે દેશના સૈનિકોની સહાય માટે કેન્દ્ર સરકારના ફંડમાં રૂ.11 લાખ 11 હજાર 111ની રકમનું માતબર યોગદાન આપી દેશભક્તિની મિશાલ કાયમ કરી હતી. તેઓ દર મહિને પોતાના પેન્શનમાંથી પણ આજીવન રૂ. 11 હજાર આપશે.
દર મહિને પેન્શનમાંથી પણ રૂ.11 હજાર આપશે, RSSનાં વરિષ્ટ કાર્યકર્તાનો નિર્ણય

ડો.પંડિતે જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલાઓમાં શહાદત વહોરનાર ભારત માતાના સપૂતો ઉપર દેશ આખાને ગૌરવ છે. આપણી સલામતી માટે પોતાની જાન ન્યોચ્છાવર કરી દેનાર મહાન શહીદોનું આપણા ઉપર ઋણ છે એ ભાવના સાથે આ યોગદાન આપ્યું છે. તેમણે આ રકમનો ચેક રાજકોટના કલેક્ટરને અર્પણ કર્યો હતો. આ રકમમાં એમના પુત્ર સમીરભાઈ તથા પૌત્રીઓ પ્રેક્ષા અને વિતીકાએ આપેલા પ્રદાનનો પણ સમાવેશ થાય છે.
રાજકોટ કલેક્ટરને ચેક અર્પણ કર્યો

ડો.પંડિતે વધુમાં ઉમેર્યું હતું કે, દેશની રક્ષા માટે સરહદો પર વિપરીત સંજોગોમાં પણ આપણા બહાદુર સૈનિકો અપ્રતિમ શૌર્યનો પરિચય આપે છે. એમના થકી મા ભારતીનું મસ્તક ઉન્નત રહે છે. આતંકવાદની ઘટના બને ત્યારે થોડા સમય માટે લોકોમાં દેશભક્તિનો જુવાળ જાગે છે.
પરંતુ માત્ર લાગણી વ્યકત કરવાને બદલે લોકોએ પોતાના તરફથી પણ કંઇક પ્રદાન આપવું જોઇએ તેવું ઉમેરી તેમણે કહ્યું હતું કે સૈનિકો શહાદત વહોરી લે તે પછી તેમના પરિવારજનોની સંભાળ લેવી એ દરેક નાગરિકની ફરજ છે. તેમણે તમામ નાગરિકોને આ ફંડમાં યથાશક્તિ યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે આજીવન દર મહિને પોતાના પેન્શનમાંથી રૂ.11 હજારની રકમ પણ અર્પણ કરવાની જાહેરાત કરી હતી.
રૂ.1નું દાન પણ આપી શકાય છે
સૈનિકોને સહાય માટે બનેલા ‘આર્મી વેલફેર ફંડ બેટલ કેઝ્યુઆલિટી’માં રૂ.1નું દાન પણ કરી શકાય છે. એ નામે સિન્ડિકેટ બેન્કમાં ખાતું ખોલવામાં આવે છે તેનો એકાઉન્ટ નંબર 90552010165615 અને આઈએફએસસી નંબર synb 0009055 છે. સિન્ડિકેટ બેન્કની દરેક બ્રાન્ચમાં ફંડ સ્વીકારવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...