યુનિ.ના બાયોસાયન્સ ભવનમાં અમેરિકાના નિષ્ણાતો ભણાવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ (એમએચઆરડી) દ્વારા ‘જ્ઞાન’ (ગ્લોબલ ઇનિશિએટિવ્સ એન્ડ એકેડેમિક નેટવર્ક) હેઠળ અપાતી ગ્રાન્ટના સહયોગથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવન ખાતે પ્રથમ વખત આગામી 20 થી 25 ફેબ્રુઆરી સુધી મેટાજિનોમિક્સ એન્ડ માઇક્રોબાયોમીસ વિષય પર શોર્ટ ટર્મ કોર્સનું આયોજન કરાયું છે. જેમાં દેશ-વિદેશના નિષ્ણાતો દ્વારા શોર્ટ ટર્મ કોર્સમાં ભાગ લેનારા ફેકલ્ટીઓને માર્ગદર્શન અપાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનના વડા ડો.એસ.પી. સિંઘે જણાવ્યું હતું કે, કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારના એમએચઆરડીના સહયોગથી બાયોસાયન્સ ભવન ખાતે શોર્ટ ટર્મ કોર્સના પ્રોગ્રામનું પ્રથમ વખત આયોજન કરાયું છે. જેમાં ગુજરાત ઉપરાંત મુંબઇ, દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં ફેકલ્ટીઓ અને માસ્ટર અથવા એમ.ફિલ કરનારા વિદ્યાર્થીઓ ભાગ લેવા આવશે. આ શોર્ટ ટર્મ કોર્સમાં રજિસ્ટ્રેશનની 50ની મર્યાદા છે. જેની સામે અત્યાર સુધીમાં 60 ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થયું છે.

જ્ઞાન પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટીચિંગ અને રિસર્ચનું સ્તર સુધારવું, વિદ્યાર્થીઓને તેમના લક્ષ્ય માટે પ્રોત્સાહિત કરવા, દેશના ઘડતરમાં ફાળો આપવો, જીવન ધોરણનું સ્તર સુધારવું અને આપણી સંસ્કૃતિ તથા પર્યાવરણ જાળવી રાખવું અને માનવીય મૂલ્યોની જાળવણી છે. આ પ્રોગ્રામમાં વિદેશના ઉપરાંત દેશના નિષ્ણાતો પણ માર્ગદર્શન આપશે.

પાંચ દિવસના શોર્ટ ટર્મ કોર્સમાં શું શીખવાડાશે
બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના વડા ડો.એસ.પી.સિંઘે જણાવ્યું હતું કે, પાંચ દિવસના કોર્સમાં ભાગ લેનારા ફેકલ્ટીઓને નવા સંશોધનથી માહિતગાર કરવા, નવી-નવી ટેક્નિક શીખવવી, માઇક્રો બાયોલોજીમાં ડેવલપમેન્ટ વિશે લેક્ચર, પ્રેક્ટિકલ, ડિસ્કશન અને છેલ્લે પ્રેક્ટિકલ માહિતી તથા માર્ગદર્શન આપવું.

એમએચઆરડીએ કેટલી ગ્રાન્ટ આપી
એમએચઆરડી દ્વારા જ્ઞાન પ્રોજેક્ટ અંતર્ગત શોર્ટ ટર્મ કોર્સ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનને 1200 ડોલર એટલે કે રૂ.8.16 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

ભાગ લેનારે કેટલી ફી ભરવી પડશે
શોર્ટ ટર્મ કોર્સમાં ભાગ લેનારા ફેકલ્ટી જો વિદેશી હોય તો 200 ડોલર, ઇન્ડસ્ટ્રી પર્સનલ હોય તો રૂ.5000, ફેકલ્ટી ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ કે રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાંથી હોય તો રૂ.3000 અને રિસર્ચ સ્કોલર અથવા વિદ્યાર્થી હોય તો રૂ.2000 ફી પેટે ભરવા પડશે.

ક્યાં-ક્યાં ફેકલ્ટીઓ માર્ગદર્શન આપશે
યુએસએની યુનિવર્સિટી ઓફ મિનેસોટાના ડો.ડેન નાઇટ્સ, બાયોસાયન્સ ભવનના પ્રોફેસર ડો.સત્યપ્રકાશ સિંઘ, ડો.ગિરિશ ભીમાણી, પ્રો.રમેશ કોઠારી, આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના પ્રો.સી.જે.જોશી, આઇઆઇટી ન્યૂ દિલ્હીના પ્રો.એસ.કે. ખરે, પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના ડો.રાજેશ પટેલ, આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના ડો.પ્રકાશ કોરિંગા સહિત 15 જેટલા નિષ્ણાતો માર્ગદર્શન આપશે.
 
અન્ય સમાચારો પણ છે...