મોચીનગરમાં મહિલાની ગળાટૂંપો આપી હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ  150 રિંગ રોડ પર આવેલી રામાપીર ચોકડી નજીક મોચીનગરમાં મહિલાની ગળેટૂંપો આપી હત્યા કરી નખાયાની ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી છે. હત્યા કર્યા બાદ લાશને પલંગની પેટી અંદર સંતાડી દેવામાં આવી હતી. ગુરુવારે સાંજે અજાણી વ્યક્તિએ ફોન કરીને મોચીનગર શેરી નં.6/1ના ખૂણે આવેલા મકાનમાં ઘણા વર્ષોથી એકલી રહેતી અરુણાબેન પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ.45)ની લાશ ઘરમાં પડી હોવાની જાણ કરી હતી. ઘટના બાદ નિવૃત્ત જમાદારનો કોઈ પત્તો નથી. અરૂણા દેહવ્યાપારમાં એકવાર પકડાઇ ચૂકી હતી. 90 દિવસથી તેની લાશ પેટીપલંગમાં હોવાનું જાણવા મળ્યું હતું. 
 
ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ
 
ગાંધીગ્રામ પોલીસમથકના પીએસઆઈ એ.એમ. હેરમા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ કરતા મહિલાને ચુંદડી વડે ગળાફાંસો આપી હત્યા કરાયાનું સ્પષ્ટ થયું હતું.  ઘરનો તમામ માલસામાન વેરવિખેર હતો અને કબાટ પણ ખુલ્લા હતા આથી લૂંટના ઈરાદે હત્યા થયાનું પણ પોલીસ માની રહી છે.નિવૃત્ત જમાદાર પ્રવીણ ચૌહાણ અને મહિલા આ મકાનમાં રહેતા હોવાનું પણ બહાર આવ્યું છે.
 
પોલીસને અજાણી વ્યક્તિનો ફોન આવ્યા બાદ લાશ મળી
 
ગુરૂવારે સાંજના 6.30 કલાકે ગાંધીગ્રામ પોલીસ મથકમાં કોઈ અજાણી વ્યક્તિને ફોન આવ્યો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યુ કે મોચીનગર શેરી નંબર 6/1નો ખુણે આવેલી મકાનમાંથી કોઈ વ્યક્તિની લાશ હોઈ તે પ્રકારની દુર્ગંધ આવી રહી છે. પોલીસને જાણ થતાંની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે મકાનનો દરવાજો ખોલી અંદર પ્રવેશી તો દુર્ગંધનુ પ્રમાણ પણ વધી ગયું હતું. પરંતુ ઘરની અંદર પ્રવેશેલી પોલીસને ક્યાંય પણ લાશ જોવા ન મળી.
 
લાશ પોલીસને બેડરૂમની અંદર રહેલા પેટી પલંગમાંથી મળી આવી
 
પોલીસે વધુ તપાસ હાથ ધરતાં લાશ પોલીસને બેડરૂમની અંદર રહેલા પેટી પલંગમાંથી મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લાશ અરૂણા બેન નામક વ્યક્તિની હોવાનું જાણવા મળ્યુ છે. તેમજ અરૂણાબેનના પતિનું મૃત્યુ થઈ ગયેલું હોવાથી તેઓ પ્રવિણ પરમાર નામક નિવૃત પોલીસ કર્મી સાથે રહેતા હોવાની પણ માહિતી મળી છે. તો સાથો સાથ મહિલા એક વાર દેહ વ્યાપારના ગુનામાં પણ સંડોવાયેલી માહિતી મળી છે.
 
લાશને વચ્ચે રાખવામાં આવી હતી 
 
વિશ્વસનીય પોલીસ સુત્રોનુ માનીયે તો જે રીતે મહિલાને સૌ પ્રથમ તો ગળાટુંપો દેવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ તેની લાશને મમ્મીફાઈડ થઈ જાઈ તે અર્થે તેને પેટી પલંગમાં ગોદળાના નીચે તેમજ ઉપરના ભાગે થર કરી લાશને વચ્ચે રાખવામાં આવી હતી. જેથી કોઈ પણ રીતે લાશને ક્યાંયથી હવા ન મળે જેથી દુર્ગંધ ક્યાંય ફેલાઈ નહી અને કોઈ પાડોશમાં રહેતી વ્યક્તિને ખ્યાલસુધ્ધા પણ ન આવે. આમ આ પ્રકારની હત્યા પાછળની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસના શંકાના દાયરામાં હાલ તો મહિલાની સાથે રહેતો નિવૃત પોલીસ કર્મી જ આવી રહ્યો છે. ત્યારે સવાલો તે એ પણ ઉભા થઈ રહ્યા છે કે આખરે મહિલાની સાથે રહેતો તે નિવૃત પોલીસ કર્મી આખરે ક્યાં છે. શુ તે મહિલાની હત્યા થી અજાણ છે કે કેમ. આ તમામ સવાલો ના જવાબ તો ત્યારે જ મળી શકશે જ્યારે આ મહિલાના હત્યારાને પોલીસ પકડી પાડશે.
 
લૂંટના ઇરાદે હત્યા, ચાર નામ સામે આવ્યા 
 
90 દિવસ સુધી પેટી પલંગમાં લાશ છૂપાયેલી રહી તેમાં મહિલાને લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની  પોલીસ કેફીયત આપી રહી છે. આ હત્યામાં મીતાલી, રાણી ઉર્ફે ક્રિષ્ના, કાજલ અને અજય નામધારીઓ વ્યક્તિઓની શોધખોળ શરૂ થઇ છે. હત્યા ક્યારે થઇ, કેટલાની લૂંટ થઇ તમામ તપાસની કાર્યવાહી ચાલુ છે. હત્યારાઓ રોકડ અને દાગીના લૂંટી ગયા હોય અને લૂંટ ચલાવનાર કોઇ જાણભેદુ જ હોવાનું પોલીસને લાગી રહ્યું છે. 
 
આગળની સ્લાઈડ્સ મહિલાની હત્યા સંબંધિત અન્ય તસવીરો (તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
અન્ય સમાચારો પણ છે...