તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot Municipal Checking Team Fine To Four People For Urine Fall In Openly In City News]

'બંધ બારણે શું મળે આનંદ, ગાલિબ! કભી તો ખુલ્લામાં લઘુશંકા કિયા કરો'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
રાજકોટ:ચિંતકોએ કહ્યું છે, ‘આજે માનવી પ્રકૃતિથી વિમુખ થઈ ગયો છે. માણસે પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ. ધરતીનો ખોળો ખુંદવો જોઈએ. ખુલ્લા આકાશ નીચે વિહરવું જોઈએ. ખુલ્લી હવાના ઊંડા ઊંડા શ્વાસ ભરવા જોઈએ વગેરે વગેરે...’ એમની આ સલાહમાં જો કે કયાંય ખુલ્લા આકાશ નીચે જાહેરમાં ઊભા-ઊભા લઘુશંકા કરવાનો કીમિયો નથી કહેવામાં આવ્યો, છતાં કેટલાક લોકો આ રોજિંદા કૃત્ય માટે જાહેર સ્થળોને જ આદર્શ માને છે અને એટલું જ નહીં એ ‘ખુલ્લાપણા’નો દિવ્ય અાનંદ લૂંટવા અન્યોને પણ આહવાન આપે છે. જો કે શુક્રવારે રાજકોટમાં એ પંથના ચાર કાર્યકરોને દંડ ભરવાની નોબત આવી હતી.

-જાહેરમાં ‘ઊભેલાઓ’એ ચેકિંગ ટીમને કહ્યું
-વળતા જવાબરૂપે મનપાએ સ્થળ પર જ દંડ વસૂલ્યો
વાત એમ છે કે સ્વચ્છતાના ક્ષેત્રે રાજકોટનો દેશમાં સાતમો નંબર આવ્યો છે. તેમાંથી નંબર એક ઉપર પહોંચવા મનપાએ એક એક્શન પ્લાન ઘડ્યો છે જે અંતર્ગત જાહેરમાં શૌચકર્મ કે લઘુશંકા કરવા માટેના ખ્યાતનામ વિસ્તારોમાં એક ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. એ સ્કવોડના કર્મચારીઓ એ વિસ્તારોમાં બે દિવસ પડાવ રાખી લોકોને નજીકના જાહેર સુલભ શૌચાલયોનો ઉપયોગ કરવાની સમજણ આપે એવું આયોજન છે.એ આયોજનના શુક્રવારે શ્રીગણેશ થયા હતા. દરમિયાન રેલનગર પાસે સંતોષીનગરમાં લોકો જાહેરમાં કતારબંધ લઘુશંકા કરતા નજરે પડ્યા હતા. મનપાના ચેકિંગ સ્કવોડે એ લોકોને નજીકના શૌચાલય અંગે માહિતી આપી હતી તથા બીજી વખત પકડાશે તો દંડ કરવાની ચીમકી પણ આપી હતી.
દરમિયાન એ નરબંકાઓ પૈકી ત્રણ વિરલાઓએ ચેકિંગ સ્કવોડને એવું કહ્યું હતું કે, ‘સાહેબ, શૌચાલયોના બંધિયાર માહોલમાં શું મજા આવે, સાહેબ, સંકુચિતતા મૂકો, ખુલ્લાપણું અપનાવો, એકા’દ વખત કોશિશ તો કરો, ખૂબ મજા આવશે...!! ‘જુઓ છો શું જોડાઈ જાઓ’ના આ પ્રેરક વચનો સાંભળીને મનપાની ટીમ બે ઘડી મનોમંથનમાં સરી પડી હતી, પણ પછી જાહેર લઘુશંકા કરતા એ ત્રણ અગ્રણીઓ પાસેથી ઘટનાસ્થળેથી જ 50-50 રૂપિયાનો દંડ વસૂલી દોઢસોનો વકરો કર્યો હતો. હવે જોઈએ આવતા દિવસોમાં આ ખુલ્લંખુલ્લા પ્રવૃત્તિ કેવા કેવા રંગ લાવે છે...!
અન્ય સમાચારો પણ છે...