રાજકોટમાં ઝરમરિયા ઝાપટાં, વધુ અડધો ઇંચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: રાજકોટમાં બે દિવસના વિરામ બાદ ફરી ઝરમરિયા ઝાપટાં રૂપે મેઘરાજાએ દર્શન દીધા હતા. બુધવારે દિવસભર ઝાપટાંથી શહેર ભીંજાયું હતું. સૌથી વધુ ન્યૂ રાજકોટમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે મધ્ય અને પૂર્વ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. માત્ર હળવા ઝાપટાંમાં પણ ફરી રોડ પર નદી ભરાઇ ગઇ હતી.

 જુલાઇ માસ દરમિયાન રાજકોટમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે. 14મી અને 15મીના રોજ 48 કલાકમાં જ 18 ઇંચ વરસાદ પડ્યા બાદ હળવાથી ભારે ઝાપટાં વરસવાના ચાલુ રહ્યા હતા. છેલ્લા બે દિવસથી વરાપ નીકળ્યો હતો. ત્યાં ફરી બુધવારે સવારથી જ શ્રાવણના સરવડાં ચાલુ થયા હતા. દિવસ આખો ઝરમરિયા ઝાપટાં પડ્યા હતા.
 
આભ એવું ગોરંભાયું હતું કે, હમણા બારે મેઘ ખાંગા થશે એવું લાગતું હતું. મનપાની ફાયરબ્રિગેડ શાખામાંથી મળેલા અહેવાલ મુજબ ન્યૂ રાજકોટમાં 14 મી.મી.(પોણો ઇંચ), જ્યારે સેન્ટ્રલ ઝોન એટલે કે મધ્ય અને પૂર્વ ઝોનમાં અડધો ઇંચ નોંધાયો છે. આ સાથે મોસમનો કુલ વરસાદ ઇસ્ટ ઝોનમાં 788 મી.મી.(31.52 ઇંચ), સેન્ટ્રલ ઝોનમાં 1020 મી.મી.(40.80 ઇંચ) અને વેસ્ટ ઝોનમાં 1072 મી.મી. (42.88 ઇંચ) નોંધાયો છે.
અન્ય સમાચારો પણ છે...