તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળવાર્તાકાર પ્રતાપબાએ 65 વર્ષે પીએચડીની ડિગ્રી મેળવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક એવા સન્માનનીય મહિલાની વાત કરવી છે જેમણે શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી 65 વર્ષની ઉંમરે મેળવી. આજે 83 વર્ષની જૈફવયે તેઓ અન્ય એક વિષય ઉપર પીએચડી કરવા વિચારે છે! 72 વર્ષની વયે અંધ મહિલા વિકાસ ગૃહમાં 12માં ધોરણની અંધ વિદ્યાર્થિનીઓને બ્રેઇલ લિપિમાં ગુજરાતી અને હિન્દીમાં શિક્ષણ આપ્યું. 1200થી વધુ લોકગીતો અને લગ્નગીતો ઢાળ સાથે કંઠસ્થ છે, જે તેઓ સૂરિલા સ્વરે ગાઇ શકે છે. સિતારમાં વિશારદ છે, ઢોલક, તબલા, હાર્મોનિયમ અને બંસરી વગાડી શકે છે. જેમણે બાળવાર્તાઓના માધ્યમથી અનેક પેઢીઓનું સંસ્કાર સિંચન કર્યું છે. આટલી ઓળખ પણ એમના પૂર્ણ વ્યક્તિત્વ અને એમની બહુમુખી પ્રતિભાને ન્યાય આપવા માટે પૂરતી નથી. ઘણું અધૂરું રહી જાય છે.

વાત છે ડો.પ્રતાપબા રાઠોડની. જામનગરના જોડિયા ગામમાં 1934માં જન્મ થયો. 3 વર્ષની ઉંમર હતી ત્યારે કંપાઉન્ડર પિતાનું અવસાન થતાં બે બહેન પરથી પિતાની છત્રછાયા ઉઠી ગઇ. બન્ને બહેનનો ઉછેર મોસાળ હડિયાણા ગામે મામાને ત્યાં થયો. અભ્યાસમાં રૂચિ હતી, પરંતુ રૂઢીચુસ્ત દરબાર કુટુંબમાં પુત્રીઓને 4 ધોરણથી વધુ ભણવાનું નહીં. એટલે 4 ધોરણ પછી માતા, નાની પાસેથી વાર્તા ઉપરાંત સિલાઇકામ, ભરતકામ, મોતીકામ શીખ્યું, લોકગીત લગ્નગીત શીખવા મળ્યા. ઘરે કલ્યાણ, મોક્ષપત્રિકાના (હિન્દી) દરેક લેખ શબ્દેશબ્દ વાંચી જતા.

ઘેર બેઠા એકસ્ટર્નલ સ્ટુન્ડ તરીકે અભ્યાસ શરૂ કર્યો. 17 વર્ષની ઉંમરે રાજકોટ આવવાનું થયું. આફ્રિકા રહેતા મામાએ ભણવાની છૂટ આપતા એક વર્ષ સુધી વિકાસગૃહમાં રહીને ત્યાર પછી કડવીબાઇ વિરાણી કન્યા શાળામાં એક વર્ષ અભ્યાસ કરી એ જ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી મળી ગઇ. ફરજ દરમિયાન પણ અભ્યાસ ચાલુ રાખી 1965માં બી.એ. અને 1967માં હિન્દી મીડિયમમાં બી.એડ. તથા ભાવનગરની એસઅેનડીટી કોલેજમાં એમ.એ.કર્યું.

રિટાયર્ડ થયા ત્યારે સંચાલકોએ બે વર્ષ માટે બાલમંદિર વિભાગના પ્રિન્સિપાલ બનાવ્યા. માત્ર 1 રૂપિયો 25 પૈસાનો પગાર લીધો ત્યારે સંચાલકોએ કહ્યું, કેમ આટલો જ પગાર, ત્યારે જવાબ આપ્યો કે, પેન્શન મળે છે પછી પગાર શા માટે, નિવૃત્તિ પછી 65 વર્ષની વયે રામચરિત માનસમાં તપોવન સંસ્કૃતિ ઉપર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી કરી ડોક્ટરની ડિગ્રી મેળવી. મૂળ શોખ બાળવાર્તાનો. 1955માં રાજકોટ આકાશવાણી શરૂ થયું ત્યારથી આકાશવાણી સાથે જોડાયેલા છે. અાકાશવાણીમાં બાળવાર્તા માટેનો અડકો દડકો કાર્યક્રમ તેમણે જ ચલાવ્યો હતો. આજે 83 વર્ષની ઉંમરે પણ બાળવાર્તાના કાર્યક્રમ આપે છે. પોતાની જ્ઞાતિમાં મહિલાઓ ઉપર અનેક પ્રકારની પાબંદીના કારણે તેમણે લગ્ન ન કરવાનો નિર્ણય લઇ મામાની પુત્રીને દત્તક લીધી છે.

મુશ્કેલીના સમયમાં વાર્તા થકી બધાનું ધ્યાન ખેંચી રાખ્યું

1971માં શાળામાંથી કાશ્મીરના પ્રવાસનું આયોજન થયું. 30 શિક્ષક,170 વિદ્યાર્થીઓને લઇને કાશ્મીર ગયા. બોટિંગ કરી રહ્યા હતા ત્યારે વાવાઝોડા સાથે તોફાન સર્જાતાં નાવિક, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભયભીત બની ગયા. આ સમયે નિયામક સુભદ્રાબેને વાર્તા શરૂ કરવાનો સંકેત આપ્યો, મધદરિયે તોફાનમાં સપડાયેલા લોકો ઉપર વાર્તા શરૂ કરી, વિદ્યાર્થીઓ વાર્તામાં એવા ઓતપ્રોત બની ગયા કે વાવાઝોડાનો ભય વિસરાઇ ગયો. તોફાન સમી જતાં વાર્તાની શૈલીમાં જ આપણે પણ તોફોનમાંથી ઉગરી ગયા છીએ અને હવે ઝડપથી કાંઠે ઉતરી જવું જરૂરી છે, તેમ કહી તમામ હેમખેમ કાંઠે ઉતરી ગયા. આ રીતે આ સમયે કહેલી વાર્તા જીવનનો યાદગાર પ્રસંગ બની રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

શ્રેષ્ઠ શિક્ષક તરીકે 3 એવોર્ડ

ફરજકાળ દરમિયાન શ્રેષ્ઠ શિક્ષક તરીકે 3 વખત એવોર્ડ મેળવવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. તે ઉપરાંત રામચરિત માનસ વિષય ઉપર પીએચડી બદલ પ્રવાસન અને કલ્યાણ વિભાગના તત્કાલીન કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચીખલિયાના હસ્તે સંસ્કૃતિ અને કલાના જતન ક્ષેત્રે વિશેષ સિધ્ધિ બદલ એવોર્ડ, સાહિત્ય પ્રચાર ટ્રસ્ટ દ્વારા એવોર્ડ પ્રાપ્ત થયા છે.

વિદ્યાર્થીના ફાટેલા કપડાં સાંધવાની આજે પણ ના નથી પાડતા

શિક્ષિકા તરીકે માત્ર એક પિરિયડ લેવાનો થતો. બાકીના સમયમાં વિદ્યાર્થીઓના ફાટેલા વસ્ત્રો સાંધી દેતા. આ માટે સંચાલકને કહીને એક સંચો લેવડાવ્યો હતો. ફાટેલા કપડાંમાં થીગડાં લગાવે ત્યાં સુધી વિદ્યાર્થીને વિકલ્પે બીજી જોડ પહેરવા આપતા હતા. આજે પણ ફાટેલા કપડાંને સિલાઇ કરવાની ના નથી પાડતા!
અન્ય સમાચારો પણ છે...