મા-બાપે કઠણ કાળજે કહેવું પડે છે, મારો પુત્ર કહ્યામાં નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વેદના: જેના ઉજ્જવળ ભવિષ્યના સપના જોયા હોય એ જ સંતાન માટે વાલીએ કાળજે પથ્થર મૂકીને જાહેર કરવું પડે છે
- ચાર માસમાં આ પ્રકારની 97 ચેતવણી પ્રસિધ્ધ થઇ હતી, વાલીઓ માટે આઘાતજનક, સમાજચિંતકો માટે ચિંતાનો વિષય

રાજકોટ: આ સાથેના ફોટાવાળો મારો પુત્ર(પુત્રી) અમારા કહ્યામાં નથી. અમારાથી અલગ રહે છે. અમે તેને અમારા જમીન જાયદાદ, સ્થાવર તેમજ જંગમ મિલકતમાંથી બાકાત કરી દીધો છે. તેની સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર કરશે તો તે અંગે અમારી કોઇપણ જાતની જવાબદારી નથી તેની નોંધ લેશો...અખબારમાં રોજ આવી જાહેર ચેતવણી પ્રસિધ્ધ થાય છે. ચાલુ વર્ષ 2015ના પ્રારંભના 4 મહિનામાં જ આ પ્રકારની 97 જાહેરાત પ્રસિધ્ધ થઇ હતી. સંતાનો સાથેના સંબંધમાં પૂર્ણવિરામ મૂકવું એટલું સહેલું નથી છતાં અસામાન્ય સંજોગોમાં વાલીએ કાળજે પથ્થર મૂકીને આવો નિર્ણય કરવો પડે એ બાબત આઘાતજનક અને સમાજચિંતકો માટે ચિંતા વિષય છે.

લાડકોડથી ઉછેરેલા સંતાનના ઉજ્જવળ ભાવિના સપના આંખોમાં આંજ્યા હોય, કોઇ પણ ક્ષેત્રમાં તે સિધ્ધિ હાંસલ કરે એવા અરમાન રાખ્યા હોય અને એ જ સંતાન સાથે કોઇ લેવા દેવા નથી એવું જાહેર કરવું પડે ત્યારે મા-બાપને કેટલી પીડા થતી હશે, હૃદય કેવું રડતું હશે, પાછલા કેટલાક વર્ષોમાં જુગાર, સટ્ટાના રવાડે ચડ્યા પછી મારામારી, ચીલઝડપ, વાહનચોરી, દારૂની હેરાફેરી જેવા ગંભીર ગુનામાં શિક્ષિત પરિવારના સંસ્કારી સંતાનોની સંડોવણીનું પ્રમાણ વધી ગયું છે. આવી સ્થિતિ માટે સમાજચિંતકો શું કહે છે તે પણ જાણવું જરૂરી છે, સંતાનો સાથે છેડો શા માટે ફાડ્યો તેના બે કિસ્સા જાણીએ. (વ્યક્તિના નામ બદલાવ્યા છે.)

કેસ 1: પુત્રે સમાજમાં શરમજનક સ્થિતિમાં મૂકી દીધા હતા

સમાજમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન ધરાવતા વેપારી રમેશભાઇ કહે છે કે શેર, સટ્ટાના રવાડે ચડી ગયેલો પુત્ર ચિંતન મોટી રકમ હારી જતાં વ્યાજના ચક્કરમાં ફસાયો. એક વખત દેવું ભરપાઇ કર્યું, પરંતુ પુત્ર બીજી વખત નાણાં હારી ગયો, પરિચિતો પાસેથી મોટી રકમ ઉધાર લઇ આવ્યો હતો, લેણદારો ઘરે આવવા લાગ્યા, આંકડો એટલો મોટો હતો કે બધી મિલકત વેચી નાખું તો પણ પુત્રનું દેવું ભરપાઇ ન થાય, અમે રસ્તા પર આવી જઇએ, એવી સ્થિતિ સર્જાતા ના છૂટકે પુત્ર સાથે સંબંધ ન હોવાની ચેતવણી પ્રસિધ્ધ કરાવવી પડી.

કેસ 2: બધું લુટાવી દીધું, બીજો કોઇ વિકલ્પ ન હતો

સોના-ચાંદીના ઘરેણાં ઘડી આપવાનું કામ કરતા સંતોષભાઇને સંતાનમાં બે પુત્ર, એક પુત્રી છે. એમસીએક્સના રવાડે ચડી ગયેલા નાના પુત્ર રાકેશે સટ્ટામાં મોટું નુકસાન કર્યું. અમારી જાણ બહાર વેપારીઓ પાસેથી નાણાં ઉધાર લીધા હતા, પ્રતિષ્ઠા અને ધંધો જાળવી રાખવા હતા એટલી રકમ ચૂકવી દીધી, બાકી રકમના હપ્તા નક્કી કર્યા, પરંતુ સુધરવાનું નામ નહીં લેતો પુત્ર ફરી વખત આવી ભૂલ કરે તો આખો પરિવાર બરબાદ થઇ જાય અે ડરથી તેની સાથેના સંબંધો પૂરા કરી નાખવા સિવાય કોઇ વિકલ્પ ન હતો.

લેણદારોથી છુટકારો મેળવવા આ રસ્તો અપનાવતા હોય છે

લેણદારો ઉઘરાણી માટે ઘરે આવતા હોવાથી ત્રાસના કારણે વાલીઓ સંતાન સાથે સંબંધ તોડી નાખતા હોય છે. તો કેટલાક કિસ્સામાં લેણદારોને રકમ ન ચૂકવવી પડે અને કાયદાકીય રીતે પણ બચાવ થઇ શકે એ માટે મા-બાપ પુત્ર કહ્યામાં ન હોવાની ચેતવણી પ્રસિધ્ધ કરાવતા હોય છે.
એમ.એમ.જાડેજા, ઇન્ચાર્જ પીઆઇ

સંતાનો સાથે સંબંધ પૂરો કરવા આવા પરિબળ કારણભૂત

સટ્ટામાં ફસાયેલા સંતાનો પાસેથી નાણાં વસૂલવા માથાભારે શખ્સો ઘરે આવવા લાગે ત્યારે લેણદારોથી બચવા વાલીઓ પુત્ર સાથે સંબંધ ન હોવાની જાહેરાત કરે છે. ઘરેલુ હિંસાના કેસમાં પણ પીડિતા કુટુંબના સભ્યોને આરોપી તરીકે જોડતી હોવાથી પુત્ર સાથે સંબંધ ન હોવાનું જાહેર કરાય છે.
લલિતસિંહ શાહી, એડવોકેટ
અન્ય સમાચારો પણ છે...