• Gujarati News
  • Law Family Re marriage Ceremonies Was Widow Faced Worse Farewell

સાસરિયાંઓએ વિધવા પુત્રવધૂને પુન:લગ્ન કરાવી સાસરે વળાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સંયુક્ત માલિકીની મિલકત વેચીને સ્વ. પુત્રના હિસ્સાના નાણાં પણ પુત્રવધૂને આપ્યા

રાજકોટ : પ્રવર્તમાન સમયમાં પુત્રવધૂને સાસરિયાનું નામ માત્ર આવે એટલે ઝઘડાનું ઘર, એવી માન્યતા લોકમાનસમાં જોવા મળે છે, પરંતુ રાજકોટમાં રઘુવંશી પરિવારે પુત્રનું અકસ્માતમાં નિધન થયા પછી વિધવા પુત્રવધૂને એક દીકરી તરીકે સાસરે વળાવીને જૂના રીત-રિવાજોને તિલાંજલિ અાપવાનો સંદેશો આપ્યો છે.

કરિયાણાનો વેપાર કરતા સાગર (સુમિત) નટવરલાલ ચંદારાણાના લગ્ન 8 વર્ષ પહેલાં રાજકોટના જ દિનેશભાઇ રાયચુરાની પુત્રી શ્વેતા સાથે થયા હતા. સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે ફૂલસરખા પુત્ર હેતનો જન્મ થયો. કિલ્લોલ કરતા પરિવાર ઉપર કુદરત રૂઠ્યો હોય તેમ બે વર્ષ પહેલાં એક અકસ્માતમાં સાગરનું મૃત્યુ નીપજતાં પત્ની, માસૂમ પુત્ર ઉપર આભ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઇ. શ્વેતાના સસરા હયાત નથી, સાસુ પ્રભાબેન, જેઠ ચેતનભાઇ, જેઠાણી પૂનમબેને વિધવા પુત્રવધૂ અને પૌત્ર હેતના ભવિષ્યનો વિચાર કરીને તેના પુન:લગ્ન કરવાનો નિર્ણય કર્યો, પુત્રવધૂ અને વેવાઇ સાથે વાતચીત કર્યા પછી યોગ્ય પાત્રની તલાશ શરૂ કરી.
શ્વેતાબેનના ભાઇ જીજ્ઞેશના સાસરિયાંપક્ષના કમલ મનીષભાઇ રૂપારેલિયા(સુરત)નું ઠેકાણું બતાવ્યું, મનીષભાઇના પત્નીનું પણ અઢી વર્ષ પહેલાં અવસાન થયું હતું, તેમને પણ સંતાનમાં 4 વર્ષની એક પુત્રી છે. બન્ને પાત્રે એકબીજાને પસંદ કરી લેતા અંતે લગ્નવિધિ સંપન્ન બની. શ્વેતાના પુત્ર હેતને પણ બીજા પતિએ અપનાવી લીધો છે. વિધવા પુત્રવધૂને સાસુએ માતા બનીને અને જેઠ, જેઠાણીએ ભાઇ-ભાભી તરીકે કન્યાદાન આપીને સાસરે વળાવી હતી. પુત્રવધૂમાંથી પુત્રી બનેલી શ્વેતાને તેના પ્રથમ લગ્ન સમયનું કરિયાવર, ઘરેણાં ઉપરાંત સ્વ.પતિ સાગરને વીમા વળતરના મળેલા નાણાં ઉપરાંત સ્થાવર મિલકત, જર ઝવેરાતના વેચાણમાંથી તેના હિસ્સાની રકમ આપીને સાસરે વળાવી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.