તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ મનપાને છેલ્લા 6 વર્ષમાં જકાત ગ્રાન્ટના રૂ.421.87 કરોડ ઓછા મળ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: રાજકોટ મનપાને જીએસટીના અમલ સાથે કેટલાક ક્ષેત્રમાં જંગી આર્થિક નુકસાન થવાનું જ છે, પણ સૌથી મોટું નુકસાન જકાત ગ્રાન્ટ પેટે છેલ્લા લાંબા સમયથી થઇ રહ્યું છે. હક્કની મળવાપાત્ર રકમનો હિસાબ કરીએ તો અત્યાર સુધીમાં રૂ.421 કરોડ અને 87 લાખ જેવી જંગ રકમ ઓછી મળી છે. વર્ષ 2007થી જકાત નાબૂદ કરવામાં આવી એ સમયે મનપાને જકાત પેટે દર મહિને રૂ.8 કરોડની આવક થતી હતી. રાજ્ય સરકારે એવું નક્કી કર્યું હતું કે, ઓક્ટ્રોય નાબૂદીનો અમલ જ્યારથી થાય તેના આગળના મહિને મનપાને જે આવક થઇ હોય તેટલી જ રકમ ગ્રાન્ટ પેટે દર મહિને ચૂકવાશે. 

આ ઉપરાંત દર વર્ષે 10 ટકાનો રાઇઝ એટલે કે, ગ્રાન્ટની વાર્ષિક રકમમાં 10 ટકાનો વધારો ઉમેરવો. 2011 સુધી બધુ બરોબર ચાલ્યું. 2011માં મળવાપાત્ર ગ્રાન્ટ પેટે રૂ.11 કરોડ અને 92 લાખ આપવામાં આવ્યા હતા, પરંતુ એ પછીના વર્ષથી 10 ટકા વધારો મળવાનું બંધ થઇ ગયું. હાલની છેલ્લી સ્થિતિએ 10 ટકા રાઇઝ સાથેની ગણતરીએ કરીએ તો દર મહિને રૂ.23 કરોડ 23 લાખ 99 હજાર મળવા જોઇએ. તેના બદલે માત્ર રૂ.11 કરોડ અને 17 લાખ જ મળે છે. જ્યારથી 10 ટકાના વધારા સાથેની ગ્રાન્ટની હકની મળવાપાત્ર રકમ બંધ થઇ એ વર્ષ 2011 થી જુલાઇ-2017 સુધીનો હિસાબ માંડીએ તો રાજકોટ મનપાને અત્યાર સુધીમાં રૂ.421 કરોડ 87 લાખ ઓછા મળ્યા છે.

રાજકોટ મનપાની સ્વનિર્ભર આવક સીમિત છે. હાલ મોટાભાગે ગ્રાન્ટ ઉપર જ મનપા જીવી રહી છે. વર્ષો પહેલા જ્યારે જકાત હતી ત્યારે તેની આવક મનપાના હાથ પગ હતા. ઓક્ટ્રોય નાબૂદી બાદ ટેક્સ, હોર્ડિંગ્સ બોર્ડની આવક, ટીપીની જમીન વેચાણ સહિત સીમિત સોર્સ છે. આ આવકમાંથી કર્મચારીના પગાર માંડ થાય છે. જકાત નાબૂદ થઇ ન હતી ત્યારે મનપાને ઓક્ટ્રોય પેટે મહિને રૂ.8 કરોડ લેખે વર્ષે રૂ.96 કરોડની આવક થતી હતી. જકાત નાબૂદ કરતી વખતે સરકારે એવું વચન આપ્યું હતું કે, જકાતની આવક જેટલી જ ગ્રાન્ટ દર વર્ષે રાજ્ય સરકાર ચૂકવશે. આ ઉપરાંત 10 ટકા રાઇઝ એટલે કે વધારો ઉમેરવામા આવશે.

ત્રણ વર્ષ સુધી 10 ટકાનો વધારો મળ્યો
2007માં જકાત નાબુદ થઇ ત્યારે તેની આવક 8 કરોડ હતી. તેના પર 2008માં 10 ટકા લેખે 8.96 કરોડ, 2009માં 9.85 કરોડ, 2010માં 10.84 કરોડ અને 2011માં 11.92 કરોડ ગ્રાન્ટ પેટે મળ્યા હતા. પરંતુ ત્યારબાદ દર વર્ષે 10 ટકાના વધારા સાથે ગ્રાન્ટ આપવાનું બંધ કરી દેવાતા રાજકોટને આ નુકસાન ગયું છે.

સ્વર્ણિમ સહિતની અન્ય યોજનામાં મોઢે માગ્યા પૈસા મળે જ છે
જકાત નાબૂદ થઇ ત્યારે સરકારે એવું કહ્યું હતું કે, અમે તમને વળતર આપીશું. એ પછી જકાતની જેટલી આવક થતી હતી તેટલી જ ગ્રાન્ટ ઉપરાંત વ્યવસાય વેરો, મનોરંજન કર જે અગાઉ સરકાર પોતે રાખતી હતી તેનો હક મહાપાલિકાને આપી દીધો. વધુમાં સ્વર્ણિમ, અમૃતમ, મુખ્યમંત્રી ગૃહ નિર્માણ સહિત સંખ્યાબંધ યોજનામાં રાજકોટ મનપાને મોઢે માગ્યા પૈસા મળી જ રહ્યા છે. > ડો. જૈમન ઉપાધ્યાય, મેયર
અન્ય સમાચારો પણ છે...