બે ભૂમાફિયા રિમાન્ડ પર, 2 નોટરીના નિવેદન લેવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: બોગસ કુલમુખત્યારનામા, સોગંદનામાના આધારે મહિલાની વાવડી સરવેની કિંમતી જમીન હડપ કરી પ્લોટિંગ પાડીને બારોબાર વેચી કૌભાંડ કરવાના ગુનામાં પકડાયેલા શિવજી ઉર્ફે બટુક પોલાભાઇ કોરાટ અને કુખ્યાત જમીન માફિયા ઇશ્વર સવજીભાઇ પટેલને અદાલતે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. બોગસ દસ્તાવેજો જે નોટરી પાસે ઊભા કરાયા હતા એ બે વકીલ-નોટરીના નિવેદન લેવાશે.

હાલ સરધાર સાસરે રહેતા વનિતાબેન ધીરુભાઇ ઢાકેચા તેના પિતા પોલાભાઇની  વાવડી સરવેની કિંમતી જમીનના એક માત્ર વારસદાર છે. બટુુક ઉર્ફે શિવજી પોલાભાઇ કોરાટે 1996માં પોતે પોલાભાઇનો પુત્ર હોવાનું બોગસ સોગંદનામું ઊભું કરી 2004માં વનિતાબેનને તેનેે જમીનના કુલમુખત્યાર નિમ્યા હોવાનું બોગસ કુલમુખત્યારનામું તૈયાર કરાવ્યું હતું. એ બોગસ કુલમુખત્યારનામાના આધારે ઇશ્વરભાઇને જમીનનું કુલમુખત્યારનામું કરી અfપ્યું હતું. 
 
ઇશ્વરે કુલમુખત્યાર દરજ્જે જમીન બિનખેતી કરાવીને 31 પ્લોટ પાડી તમામ પ્લોટ વેચી નાખ્યા હતા. કૌભાંડની જાણ થતાં વનિતાબેનના કુલમુખત્યાર નિકેતન  જાદવજીભાઇ ખૂંટએ બન્ને કૌભાંડિયા સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધવતા પોલીસે શિવજી ઉર્ફે બટુક અને બિગબજાર પાછળ સિલ્વર સ્ટોનમાં રહેતા ભૂમાફિયા ઇશ્વર સવજીભાઇ પટેલની ધરપકડ કરી હતી.
 
પકડાયેલા બન્નેને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરતા અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નોંધનીય છે કે,ઇશ્વર પટેલ સામે અગાઉ પણ જમીન કૌભાંડના 5 ગુના નોંધાયા હતા.  ક્રાઇમબ્રાંચના પીઆઇ હિતેષ ગઢવી, પીએસઆઇ અતુલ સોનારા,મદદનીશ મોહનભાઇ મહેશ્વર સહિતના સ્ટાફે બોગસ દસ્તાવેજો કબજે કરવા તેમજ અન્ય કોની કોની સંડોવણી છે તે જાણવા બન્ને ભૂમાફિયાની આકરી પૂછપરછ શરૂ કરી છે.
 
1 ચોપડી પાસ બટુકે કૌભાંડને અંજામ આપવા 10 વર્ષ ધીરજ રાખી

જમીન કૌભાંડમાં પકડાયેલા બટુક ઉર્ફે શિવજી માત્ર 1 ધોરણ ભણેલો છે. પોલાભાઇની જમીન હડપ કરવા બટુકે માઇક્રો પ્લાનિંગ કર્યું હતું. પોલાભાઇને સંતાનમાં એક પુત્ર ગોબર,એક પુત્રી વનિતા પૈકી ગોબરનું બાળવયે અવસાન થઇ ગયું હોવાથી જમીનના એક માત્ર વારસદાર વનિતાબેન છે. બટુકે પોતે પોલાભાઇનો પુત્ર હોવાનું 1996માં બોગસ સોગંદનામું તૈયાર કરાવ્યું. સોગંદનામું થઇ ગયા પછી 8 વર્ષ સુધી રાહ જોઈ. 2004માં વનિતાબેને જમીનના વહીવટ માટે તેને કુલમુખત્યારનામું કરી આપ્યું છે તેવું બોગસ કુલમુખત્યારનામું તૈયાર કરાવી વધુ 2 વર્ષ રાહ જોયા પછી ભૂમાફિયા ઇશ્વર પટેલને જમીનના વહીવટ માટે કુલમુખત્યારનામું કરી આપ્યું. ઇશ્વરે પટેલે જમીનમાં પ્લોટ પાડીને વેચી નાખ્યા.
 
આ સમયે બનાવ્યા બોગસ સોગંદનામા
 
1 બટુક ઉર્ફે શિવજીએ જમીન માલિક પોલાભાઇનો પુત્ર હોવાનું સોગંદનામું 1996માં નોટરી એચ.પી.કામદાર પાસે તૈયાર કરાવ્યું
2 વનિતાબેને જમીનના કુલમુખત્યાર તરીકે બટુકને નિમ્યો છે તેવું કુલમુખત્યારનામું 2004માં નોટરી પી.સી.વ્યાસ પાસે કરાવ્યું હતું.
3 બોગસ કુલમુખત્યારનામાના આધારે બટુકે 2006માં નોટરી પી.સી.વ્યાસ પાસે ઇશ્વર પટેલને કુલમુખત્યારનામું કરી આપ્યું.
અન્ય સમાચારો પણ છે...