શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: રાજકોટમાં ભારે વરસાદે વિરામ લીધાને 12મા દિવસે પણ શહેરના અનેક વિસ્તારો હજુ તળાવમાં ફેરવાયા છે. રસ્તા પરથી પાણી ઓસરતા નથી. તેની પાછળનું મુખ્ય કારણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી. રસ્તા પરથી પાણી દૂર થતા નથી ત્યાં અધૂરામાં પૂરું ઠેરઠેર ચોકે ચોકે રહેલી ભૂગર્ભગટરમાંથી ગંદું પાણી રોડ પર ઊભરાઇ રહ્યું છે. આવી જ હાલત શહેરના લક્ષ્મીનગર રોડ, યાજ્ઞિક રોડ, અક્ષર માર્ગ, આનંદબંગલા ચોક, હેમુ ગઢવી હોલ પાછળનું નાળું, સામાકાંઠે, કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં સર્જાયેલી છે.  જનતાને નર્કાગાર જેવો અનુભવ થતો ચિતાર ઉક્ત તસવીરોમાં જોવા મળી રહ્યો છે. તળાવ બની ગયેલા રોડ પરના ખાડામાં વાહનોના ટાયર ગરકાવ થઇ જાય તેવી સ્થિતિ વચ્ચે લોકોના હાડકાં ખોખરા થઇ રહ્યા છે.
 
રાજકોટ મનપામાં કમિશનર અને મેયરની ચેમ્બરમાં કોંગી કોર્પોરેટરોની ધમાલ
 
રાજકોટમાં વરસાદ બાદ હાલ સળગતી સમસ્યામાં ધોવાઇ ગયેલા રસ્તા અને ભૂગર્ભગટર ચોકઅપ થઇ જવાથી ગંદું પાણી રોડ પર જમા થવાથી નગરજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે. એકસાથે 18 ઇંચ વરસાદ પડી ગયાને પખવાડિયા પછી પણ હજુ સ્થિતિ થાળે પડી નથી ત્યારે મનપાના વિપક્ષી કોર્પોરેટરોએ બુધવારે સવારે મ્યુનિ. કમિશનર અને મેયરની ચેમ્બરમાં ધમાલ મચાવી હતી. જો અઠવાડિયામાં સમસ્યાનો નિવેડો નહીં આવે તો મહાપાલિકા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી.

શહેરના મોટાભાગના રોડ ધોવાઇ ગયા છે. બે વર્ષની ગેરેન્ટી સાથે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોય તેવા રોડ ઉપર પણ ફૂટ ફૂટના ગાબડાં પડી ગયા છે. રસ્તાના કામમાં લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ મનપાના વિપક્ષે કર્યો છે. તો બીજીબાજુ વોંકળા સફાઇ અને ડ્રેનેજ સફાઇની કહેવાતી પ્રી-મોન્સૂન કામગીરીની પણ પોલ છતી થઇ છે ત્યારે આ મામલે વિપક્ષ કોંગ્રેસે આ પ્રશ્ને વહીવટી અને શાસક બન્ને પાંખને ભીડવવા ધમાલ મચાવી હતી.

બુધવારે બપોરે કોંગ્રેસના કોર્પોરેટરો એકઠાં થયા હતા. ત્યારબાદ મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં હલ્લાબોલ કર્યો હતો. ચાલુ મહિનાના 26 દિવસમાં જ ડ્રેનેજને લગતી 4700થી વધુ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. રસ્તા રિપેરિંગનું કામ અઠવાડિયામાં શરૂ નહીં થાય અને ડ્રેનેજની ફરિયાદનો ઉકેલ નહીં આવે તો મહાપાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે તેવી લેખિતમાં ચીમકી વિપક્ષના સભ્યોએ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...