રાજકોટ: સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિગ્રી વગરનો ‘ઘોડા ડોક્ટર’ દર્દીઓનું નિદાન કરી દવા આપતો હોવાનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યા બાદ હરકતમાં આવેલા તંત્રે તપાસનો આદેશ કર્યો હતો. તપાસ સમિતિએ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરી દીધો છે અને મંગળવારે અધિકારી સમક્ષ રજૂ થશે. ‘ઘોડા ડોક્ટર’ કાંડના જવાબદારો સામે પગલાંના નિર્દેશો મળી રહ્યા છે.
વિજય સામે ફોજદારી, ડો.ચંદ્રપાલ સામે સસ્પેન્શનના પગલાં
સરધારના મેડિકલ ઓફિસર ડો.દીપક ચંદ્રપાલ સરધારમાં જ રહેતા તેના મિત્ર વિજય બારૈયા પાસે કોઇ ડિગ્રી નહીં હોવા છતાં તેને આરોગ્ય કેન્દ્રમાં બોલાવી તેની પાસે પ્રેક્ટિસ કરાવતા હોવાનું ધ્યાને આવતા ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે સરધાર આરોગ્ય કેન્દ્રમાં જઇ તપાસ કરતા વિજય બારૈયા દર્દીઓનું નિદાન કરી દવા પણ લખી આપતો હતો. મામલો પ્રકાશમાં આવતા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ સમિતિની રચના કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો.
ડો.પાઠકે બીએચઓ ડો.ગોયલ, જિલ્લા આરોગ્ય વિભાગના બે અધિકારી જાલાડી અને બગડા, તેમજ ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો.જાવિયાને તપાસ સમિતિના સભ્યો બનાવી તપાસ સોંપી હતી. તપાસ સમિતિએ બે વખત કેન્દ્રની મુલાકાત લઇ અનેકના નિવેદનો નોંધ્યા હતા અને દસ્તાવેજો કબજે કર્યા હતા. ‘દિવ્ય ભાસ્કરે’ પણ તપાસ સમિતિને પુરાવાની તૈયારી બતાવી હતી. ડો.વિજય પાઠકે જણાવ્યું હતું કે, તપાસ સમિતિએ ઊંડાણપૂર્વક તપાસ કરી રિપોર્ટ તૈયાર કરી દીધો છે. મંગળવારે તપાસ સમિતિ એ રિપોર્ટ સુપરત કરશે અને ડો.પાઠક એ રિપોર્ટ ડીડીઓને રજૂ કરશે. ડો.પાઠકે જણાવ્યું હતું કે, વિજય પાસે ડિગ્રી નહીં હોવા છતાં તેણે દર્દીઅોના આરોગ્ય સાથે ચેડાં કર્યા હોય તેની સામે ફોજદારી તેમજ કેન્દ્રના વડા તરીકે ડો.ચંદ્રપાલ સામે સસ્પેન્શન સુધીના પગલાં પણ લેવાઇ શકે છે.
કર્મચારીઓને ધમકી, પોલીસને જાણ કરાઇ
સરધાર આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ કબીલાવાદ ચાલતો હોવાનું પણ અગાઉ બહાર આવ્યું હતું. ‘ઘોડા ડોક્ટર’ કાંડ પ્રકાશમાં આવ્યા બાદ ડો.ચંદ્રપાલની બદલી કરી નાખવામાં આવી હતી અને કારનો કોન્ટ્રાક્ટ ધરાવતા મહેશ ચાવડાનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો હતો. તંત્રે પગલાં લેતાં આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા અન્ય કર્મચારીઓ પર કેટલાક લોકોઅે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. શનિવારે બે કર્મચારીઓ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળ્યા હતા અને ધમકી મળતી હોવાની વાત કહી હુમલાની દહેશત વ્યક્ત કરી હતી. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, બંને કર્મચારીઓની ભીતિને ગંભીરતાથી લઇ સરધાર પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું છે.