ગૃહમંત્રી રાજનાથસિંહ આજે રાજકોટમાં, લોખંડી બંદોબસ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના એક વર્ષના શાસનના ‘ગુણગાન’ ગાશે, મવડી ચોકડીએ સાંજે જાહેરસભા
 
રાજકોટ: કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ગુરુવારે રાજકોટ આવી રહ્યા હોય શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બુધવારે સાંજે બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ગૃહ પ્રધાનના આગમનના એક દિવસ પહેલાથી જ શહેર પોલીસ જવાનો ફરજ પરના પોઇન્ટ પર તૈનાત થઇ ગયા હતા. ભાજપ સરકારના શાસનને એક વર્ષ પૂર્ણ થતાં સરકારના એક વર્ષની કાર્યસિધ્ધિના ‘જનકલ્યાણ પર્વ’ નિમિત્તે સમગ્ર દેશમાં શહેરો અને મહાનગરોમાં ભાજપ દ્વારા શ્રેણીબધ્ધ કાર્યક્રમો નક્કી થયા છે. કેન્દ્રના મંત્રીઓ દેશભરમાં ઘૂમીને સરકારે કરેલા કાર્યોને લોકો સુધી પહોંચાડશે. જેના અનુસંધાને કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહ ગુરુવારે સાંજે રાજકોટ આવશે. ગૃહપ્રધાન સાંજે મવડી ચોકડીએ જાહેરસભાને સંબોધશે.
 
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ઝેડ પ્લસ કેટેગરીમાં આવતા હોય રાજકોટ પોલીસ તંત્ર સુરક્ષાને લઇને સાબદું બન્યું છે અને ગુરુવારના કાર્યક્રમના અનુસંધાને બંદોબસ્તની ખાસ સ્કીમ ઘડી કાઢવામાં આવી છે. જોઇન્ટ પોલીસ કમિશનર જોટંગિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્તમાં ડીસીપી ચૌધરી, 7 ડીવાયએસપી, 13 પોલીસ ઇન્સ્પેક્ટર, 50 પીએસઆઇ, 422 પોલીસ જવાનો, 30 મહિલા પોલીસ, 4 ઘોડેસ્વાર, 200 એસઆરપી જવાનો અને 250 હોમગાર્ડ સહિત 750 જેટલા જવાનોને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. બુધવારે સાંજે બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ થી લઇને સભાસ્થળ અને ત્યાંથી સરકિટ હાઉસ સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવતા  ગૃહપ્રધાનના આગમનના એક દિવસ પહેલાથી જ શહેરમાં પોલીસના ધાડા  નજરે પડતાં હતા. ગૃહપ્રધાનના આગમન સમયે કોઇ કાંકરીચાળો થાય નહીં તે માટે શહેરના તમામ પોલીસમથક વિસ્તારમાં પોલીસવાન પોતપોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરશે તેમજ બુધવારે રાત્રે શહેરની અનેક હોટેલોમાં પણ પોલીસે ચેકિંગ કરી શહેરની હોટેલ અને ગેસ્ટહાઉસના રજિસ્ટરો ચેક કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...