ગોંડલ: કુદરત તો આપવા માટે હંમેશા તૈયાર જ હોય છે, જરૂર છે માત્ર તેના નિયમોને અનુસરીને ચાલવાની. જો કોઇ મનથી એવો નિશ્ચય કરી લે કે ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરી, પાણીનો ખપ પૂરતો ઉપયોગ કરીને મબલખ પાક કેમ ન લઇ શકાય તો એ હેતુ સિધ્ધ કરવો કંઇ અઘરો નથી જ. આ બાબતને ગોંડલના એક પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી બતાવી છે. ટપક પધ્ધતિથી ખેડૂત રોજના 100 કિલો તુરીયા ઉતારે છે. ખેડૂતને રોજ 4 હજારની આવક થાય છે. એટલે મહિને સવા લાખની કમાણી કરે છે.
ટપક પધ્ધતિ દ્વારા રોજના 100 કિલો તુરિયાં ઉતારે છે
શહેરની સાટોડિયા સોસાયટીમાં રહેતા અને કોટડા સાંગાણી રોડ પર મેલડી માતાના મંદિર પાસે ખેતી ધરાવતા ખેડૂતે બે વીઘા જમીનમાં ટપક સિંચાઇ પધ્ધતિથી ઘીસોડાનું વાવેતર કર્યું હતું અને હાલ તો દરરોજ તે મબલખ પાક ઉતારી રહ્યા છે અને જંગી કમાણી કરી રહ્યા છે.
ઘિસોડાની સિઝન માત્ર દોઢથી બે જ માસ ચાલે છે: બે વીઘામાં, 400 બીનું કર્યું હતું વાવેતર
ઘીસોડાની સિઝન આમ તો દોઢથી બે જ માસ ચાલતી હોય છે. અગાઉ તેઓ દૂધીનું વાવેતર કરતા હતા અને ઓણસાલ તેમણે ઘીસોડાના 400 ગ્રામ બી બે વીઘા ખેતરમાં વાવ્યા હતા અને તેમાંથી દરરોજ તેઓ 100 કિલો ઘીસોડાનો મબલખ પાક ઉતારી રહ્યા છે.
ટપક સિંચાઇ પધ્ધતિ આશીર્વાદ રૂપ
તેઓ વધુમાં જણાવે છે કે અમે અત્યારે ટપક સિંચાઇ પધ્ધતિની મદદથી ઘીસોડાનું જંગી ઉત્પાદન મેળવી રહ્યા છીએ, દરરોજનો 100 કિલો પાક મળે છે. અત્યારે પાણીની તો તંગી છે અને વરસાદ હજુ થયો નથી. આથી આ બધું ટપક સિંચાઇ પધ્ધતિને આભારી છે.એક તો ઘીસોડાની સિઝન જ દોઢથી બે માસની હોય છે અને તેમાંયે જો વરસાદના ભરોસે રહીએ તો નુકસાની જ સહેવાનો વારો આવે.અમે માત્ર 400 ગ્રામ બી વાવ્યા હતા. તેમાંથી આટલો જંગી પાક ઉતારી શક્યા છીએ.
ગાયના ગોબરમાંથી બનતું ખાતર વાપર્યું
પ્રગતિશીલ ખેડૂત જયંતિભાઇ કહે છે કે હું વર્ષોથી આ જ પધ્ધતિથી ખેતી કરું છું. ગાયના ગોબરમાંથી બનતું ખાતર જ વાપરું છું. જેના લીધે મારા પાકની ગુણવત્તા પણ ઉંચી જળવાઇ રહે છે. દોઢ માસ મેં સરખું ધ્યાન આપ્યું તેના મીઠાં ફળ મને અત્યારે મળી રહ્યા છે. અમારો પરિવાર માત્ર નાણાં કમાવા માટે ખેતી નથી કરતા. અમારે પાકની ગુણવત્તા પણ મહત્વની છે. લોકોને ઘીસોડાનો શુધ્ધ ઓર્ગેનિક સ્વાદ મળી રહે તે બાબત પણ અમે ધ્યાનમાં રાખતા હોઇએ છે.
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો....(તસવીરોઃ દેવાંગ ભોજાણી, હિમાંશુ પુરોહિત, ગોંડલ)