આજે મતદાન મથકે ચૂંટણી સ્ટાફ પહોંચી જશે, તૈયારીઓને આખરી ઓપ અપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટની નવી કલેક્ટર કચેરી ખાતે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર-જિલ્લાની આઠ બેઠકો માટે ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચૂંટણી સ્ટાફને શુક્રવારે જ મતદાન મથક પર રવાના કરી દેવાશે અને મતદાન મથકમાં પ્રસાઇડિંગ ઓફિસર દ્વારા સ્ટાફને ફાઇનલ તાલીમ આપવામાં આવશે.


વધુમાં જણાવ્યું હતું કે,  રાજકોટ શહેર-જિલ્લાની આઠ બેઠકો પર અગાઉ 20,56,856 મતદારો નોધાયા હતા જેમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાદ નોંધાયેલા મતદારોની સંખ્યા હવે 20,64,759 છે. મતદારોને ફોટાવાળી મતદાન સ્લીપના વિતરણનું કાર્ય 95.36 ટકા પૂર્ણ થઇ ગયું છે. જ્યારે બહારગામ ગયા હોય કે પ્રવાસમાં હોય તેવા મતદારોને મતદાર સ્લીપનું વિતરણ બાકી છે જે ગુરુવારે સાંજ સુધીમાં પૂર્ણ કરી લેવાયું હતું.


150 મતદાન મથકો પર માઇક્રો ઓબ્ઝર્વરને શુક્રવારે સવારે 10 વાગ્યે કમ્પ્યુટર સોફટવેરની મદદથી રેન્ડમાઇઝેશન કરી મુકાશે. ઉમેદવારોની ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. મતદાન મથકમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સેન્સિટિવ મતદાન મથકોમાંથી 20 ટકા એટલે કે 200 મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ કરાશે. તમામ મતદાન મથકોમાં વીડિયોગ્રાફી કરાશે. ચૂંટણી માટે 8 ફિમેલ પોલિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. ક્યા બૂથ પર ક્યા મહિલા અધિકારી અને કર્મચારી જશે તે આર.ઓ. નક્કી કરશે. મતગણતરી માટે મોડલ કાઉન્ટિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે અને તે ચાર-પાંચ દિવસમાં ઊભા થઇ જશે.

 

મતદાન પહેલાંની ગતિવિધિઓ

 

સખ્ત કાર્યવાહી: 10.70 લાખ રોકડા અને 24 કિલો સોનું પકડાયું, 13 ફરિયાદ પણ મળી


ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાનના ચેકિંગમાં રૂ.10.70 લાખ રોકડા અને રૂ.7.20 કરોડનું 24 કિલો સોનું પકડાયું છે. 7000થી વધુ વાહનો એસએસટી અને એફએસટી દ્વારા ચેક કરાયા છે. આચારસંહિતા ભંગની  13 દરખાસ્ત આવી, 2માં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

 

હાઇ-પ્રોફાઇલ બેઠક: સૌથી વધુ રેલી-સભા CMના વિસ્તાર વિધાનસભા-69માં


રાજકોટની આઠ બેઠકો પર 800 જેટલી રેલી-જાહેરસભાની મંજૂરી માગી યોજવામાં આવ્યા હતા જેમાં સૌથી વધુ 400 રેલી અને જાહેરસભા મુખ્યમંત્રીની બેઠક પર યોજાઇ હતી.આ બેઠક પ્રથમથી જ હાઇ-પ્રોફાઇલ રહી હતી. માટે જ તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

 

સચોટ કામગીરી: 2-2 કલાકના વોટિંગના આંકડા અપડેટ કરવા અડધી કલાકનો સમય


ચૂંટણીમાં દરેક રિટર્નિંગ ઓફિસરે દર બે કલાકે મતદાનના આંકડાઓ આપવાના હોય છે પરંતુ આ વખતે ચૂંટણીપંચે તમામ આર.ઓ.ને અડધી કલાકનો વધુ સમય ફાળવ્યો છે. આર.ઓ.એ દર બે કલાકે મતદાનના આંકડા આર.ઓ.નેટ પર અપડેટ કરવાના રહેશે અને તેમાં કોઇ ભૂલ હોય તો અડધી કલાકમાં જ તે સુધારી લેવાની રહેશે ત્યારબાદ આ આંક લોક થઇ જશે. એટલે કે 10.30, 12.30,  2.30 અને 5.30 વાગ્યા સુધીમાં રિટર્નિંગ ઓફિસરે આંકડા અપડેટ કરવાના રહેશે.

 

આક્ષેપોનું નિરાકરણ: EVMના મત બાદ વિધાનસભા દીઠ 1 વીવીપેટના મતની ગણતરી થશે


રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે ઇવીએમના મતોની ગણતરી પૂરી થયા બાદ વિધાનસભા દીઠ એક વીવીપેટના મતો ગણાશે અને તેમાં કોઇ ભૂલ નીકળશે તો ઇલેકશન કમિશનને જાણ કરાશે અને તેમની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરાશે. વીવીપેટની સ્લીપોની ગણતરી માટે બેલેટ પેપરની જેમ પીજન હોલ બનાવાશે અને તેમાં 25-25 વીવીપેટની સ્લીપો મૂકી ગણતરી કરાશે. આમ કરવાથી ઇવીએમ સંદર્ભે થતાં આક્ષેપોનું નિરાકરણ લાવી શકાશે.

 

કડક કાયદો: 100 મીટરની હદમાં વાહન લાવવા આરઓની મંજૂરી લેવી ફરજિયાત


100 મીટરની હદમાં વાહન લાવી શકાશે નહીં જો લાવવા જરૂરી હોય તો આર.ઓ.ની મંજૂરી લેવાની રહેશે. ઉમેદવારો 200 મીટર બહાર ટેમ્પરરી મતદાન મથક બનાવી શકશે તેની મંજૂરી આર.ઓ. પાસેથી મેળવવાની રહેશે. મતદાન કેન્દ્રના 100 અને 200 મીટરમાં વિસ્તારમાં પટ્ટા મારી દેવામાં આવ્યા છે. 200 મીટર અંદર પોલિટિકલ પાર્ટી પ્રચાર નહીં કરી શકે કે બેનર પણ લગાવી નહીં શકે. તેમજ અનઅધિકૃત વ્યક્તિઓ કે જે આ મત વિસ્તારના નથી તેમને ગુરુવારે સાંજે 5 વાગ્યે રાજકોટ છોડી દેવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...