તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટઃ આઠ વર્ષના બાળકને ગાયે પહેલાં ઉલાળ્યો અને પછી છૂંદયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ ઢોરપકડ ઝુંબેશ અંગે મનપાના તોતિંગ દાવાઓ વચ્ચે પણ રખડતા ઢોરનો આતંક દિન પ્રતિદિન વધતો જ જાય છે. બુધવારે સાંજે કાલાવડ રોડ પરની પુષ્કરધામ સોસાયટીમાં તોફાને ચડેલી એક ગાયે આઠ વર્ષના એક માસૂમ બાળકને ઉલાળી પછી છૂંદી નાખતાં એ બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પુષ્કરધામ સોસાયટીમાં બની ગંભીર ઘટના, દાઢીમાં ટાંકા આવ્યા, શરીર લોહીલુહાણ

વિગત એવી છે કે, પુષ્કરધામ શેરી નં 2માં રહેતા તરૂણભાઈ માંડલિયાનો આઠ વર્ષનો પુત્ર પ્રિયાંશુ સાંજે 7.30 વાગ્યાના અરસામાં સાઈકલ ફેરવતો હતો ત્યારે એક ગાય ધસી આવી હતી. ગાયે પ્રિયાંશુના શરીરમાં શિંગડા ભરાવી તેને ઉલાળિયો હતો. જમીન પર પડેલા પ્રિયાંશુને બે પગ વચ્ચે દબાવી ગાય ઢીંક ઉપર ઢીંક મારવા લાગી હતી. આ ભયંકર દૃશ્ય જોઈ દોડી આવેલા લગભગ 25 જેટલાં લોકોએ હાથ વગા સાધન વડે ગાયને દૂર કરતા પ્રિયાંશુનો જીવ બચી ગયો હતો.
જો કે, તેનું આખું શરીર છોલાઈ ગયું હતું. તેને તાબડતોબ ખાનગી દવાખાનામાં ખસેડાયો હતો. પ્રિયાંશુને દાઢી પર ટાંકા લેવા પડ્યા હતા. શરીર પર અનેક જગ્યાએ થયેલી ઈજાઓને કારણે કણસતો આ માસૂમ એટલો ગભરાઈ ગયો હતો કે, થોડી વાર માટે તેની વાચા પણ હણાઈ ગઈ હતી. બાળકના પિતા તરૂણભાઈએ જણાવ્યું હતું કે, જો લોકોએ હિંમત કરીને ગાયને દૂર ન કરી હોત તો મારા પુત્ર સાથે ન બનવાનું બની ગયું હોત. તેમણે રોષ ભેર જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રખડતા ઢોરનો અનહદ ત્રાસ છે. કોઈની સલામતી નથી. મનપા આ વિસ્તારને ઢોર મુક્ત કરાવે તેવી વિનંતી તેમણે કરી હતી.
માલધારીઓ અને ઢોરપકડ પાર્ટીની મિલિભગત

આ વિસ્તારના લોકોના જણાવ્યા અનુસાર નજીકમાં આવેલી શાકમાર્કેટને કારણે માલધારીઓ પોતાના ઢોરને ત્યાં છુટા મૂકી દે છે. મનપાની ઢોરપકડ પાર્ટી આવે તે પહેલા માલધારીઓને તેની જાણ થઈ જાય છે. માલધારીઓ એ સમયે ઢોરને સોસાયટીની શેરીઓમાં તગેડી મૂકે છે અને એ પછી તુરંત જ ઢોરપકડ પાર્ટી મેઈન રોડ પર આંટો મારીને જતી રહે છે.
અન્ય સમાચારો પણ છે...