રાજકોટ જિલ્લામાં સાત માસના સમયગાળામાં 5 સગર્ભાનાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મેટરનરી ડેથ રિવ્યૂ કમિટીની બેઠક બોલાવતા કલેક્ટર
- 15 ટકા માતાઓની હાલત જોખમી, તેનું વધુ ધ્યાન રાખવા કલેક્ટરની સૂચના

રાજકોટ : રાજકોટ જિલ્લામાં જાન્યુઆરીથી જુલાઇ સુધીમાં પાંચ સગર્ભા બહેનોના મૃત્યુ થતા કલેક્ટરે મેટરનરી ડેથ રિવ્યૂ કમિટીની બેઠક બોલાવી હતી અને તેમાં ઉપસ્થિત રહેલા આરોગ્ય ખાતાના અધિકારીઓને જે સગર્ભા મહિલાઓની હાલત જોખમી હોય તેમનું સારી રીતે ધ્યાન રાખવા અને તેમની સુવાવડ સારી રીતે થાય તે જોવા તાકીદ કરી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી વી.એચ.પાઠકે જણાવ્યું હતું કે, મંગળવારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મેટરનરી ડેથ રિવ્યૂ કમિટીની બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર મનીષા ચંદ્રાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં રાજકોટ જિલ્લામાં સગર્ભા મહિલાઓના કેટલા મૃત્યુ થયા છે, ક્યાં કારણોસર મૃત્યુ થયા છે, આવા બનાવો કેવી રીતે અટકાવી અથવા ઘટાડી શકાય, સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં જાન્યુઆરીથી જુલાઇ સુધીના સાત માસના સમયગાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ મહિલાઓના મૃત્યુ થયાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પગલે કલેક્ટરે સગર્ભા માતાઓના મૃત્યુ થતા અટકાવવા તેનું સારી રીતે ફોલોઅપ લઇ તેને વધુમાં વધુ સારી સારવાર મળે તેવા પ્રયાસ કરવા સૂચના આપી હતી. દરમિયાન જિલ્લામાં સગર્ભાનો મૃત્યુ દર ઘટે તે માટે આરોગ્ય તંત્રને તાકીદ કરવામાં આવે છે.
કયા-કયા કારણોસર સગર્ભા મહિલાઓના મૃત્યુ થયા
ગ્રામ્ય વિસ્તારની બે મહિલાઓની સુવાવડ વખતે પોસ્ટ પાર્ટમ હેમરેજ એટલે કે વધુ લોહી વહી જવાથી, એક મહિલાનું ડિલિવરી વખતે બ્લડપ્રેશર વધી જવાથી, એક મહિલાનું કમળાના કારણે અને એક મહિલાનું લોહીની ખરાબીના કારણે મૃત્યુ થયાનું આરોગ્ય અધિકારી વી.એચ.પાઠકે જણાવ્યું હતું.
સગર્ભાનો મૃત્યુ દર ઓછો
રાજ્યમાં દર એક લાખ જીવિત જન્મે સગર્ભા મહિલાઓનો મૃત્યુ દર 112નો છે, જેની સામે રાજકોટમાં દર એક લાખે સગર્ભાનો મૃત્યુ દર 80 છે. રાજ્યમાં મૃત્યુ દર 100ની અંદર લઇ જવા આરોગ્ય વિભાગને આદેશ કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...