• Gujarati News
  • National
  • Dodge To Sell The Land Without Conversion Suspected Proposed Standing Committee In RMC

રાજકોટ: હેતુફેર વગર જમીન વેચવાનો કારસો, સ્ટેન્ડિંગ કમિટીમાં શંકાસ્પદ દરખાસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: રાજકોટ મહાપાલિકામાં પીપીપી આવાસ યોજના હોય કે અન્ય કોઇ કામ, જમીનના વહીવટનું કારસ્તાન ભારે ચાલાકીપૂર્વક પાર પાડી દેવામાં આવે છે. આવો જ એક વહીવટ હેતુફેર કરાવ્યા વગર જ જમીન વેચી શકાય એવો ગોઠવાઇ રહ્યો છે. કાયદેસર નિયમ મુજબ સરકારે નિયત કરેલી જે તે હેતુની જમીનનો ઉપયોગ એ જ હેતુ માટે થઇ શકે છે અને જો ફેરફાર કરવો હોય તો શહેરી વિકાસ મંત્રાલયની મંજૂરીની વિધિવત પ્રક્રિયા કરવી પડે છે. તેના બદલે આવી કોઇ વિધિ કર્યા વગર જ વેચી શકાય એવા ઇરાદા સાથેની 3 દરખાસ્ત મંગળવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં રજૂ થઇ છે.
 
સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં 39 દરખાસ્ત છે
 
તા.28ને મંગળવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં 39 દરખાસ્ત છે. એ પૈકી અત્યંત વિવાદાસ્પદ એવી દરખાસ્તમાં રાજકોટ ટીપી સ્કીમ નં.4ના અંતિમ ખંડ નં.1421ની 683 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હેતુની જમીન, રાજકોટ ટીપી સ્કીમ નં.8માં અંતિમ ખંડ નં.191 પૈકી 4560 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી સ્કૂલ અને પ્લે ગ્રાઉન્ડના હેતુની તથા આવી જ એક જમીન નાના મવા ટીપી સ્કીમ નં.3માં અંતિમ ખંડ નં.91 પૈકી 3352 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી સ્કૂલ અને પ્લે ગ્રાઉન્ડના જ હેતુની જમીન લીઝથી વેચવા માટે દરખાસ્ત રજૂ થયેલી છે.
 
ભવિષ્યનો એક મોટો અને ઊંડો ખેલ હોવાની ગંધ આવી રહી છે
 
આ દરખાસ્તનો અભ્યાસ કરવામાં આવતા તેમાં જમીનના વહીવટનો ભવિષ્યનો એક મોટો અને ઊંડો ખેલ હોવાની ગંધ આવી રહી છે. અહીં હેતુફેર અંગેની કોઇ પ્રક્રિયા કર્યા વગર જ લીઝના બહાને વેચાણ કરવાની વાત છે. ઉક્ત ત્રણ જમીનની દરખાસ્ત મંજૂર કરીને ભવિષ્યમાં પ્રાઇમ લોકેશન પર આવેલી જમીનોનો આવી જ રીતે વહીવટ થઇ શકે એવો ઇરાદો સ્પષ્ટ દેખાઇ આવે છે.
 
19 વર્ષ પહેલા સરકારે ઘસીને ના પાડી હતી
 
1998માં મહાપાલિકાએ સરકારમાં આ પ્રકારની દરખાસ્ત કરી હતી. રિઝર્વેશનની જમીનનું વેચાણ કરવા માટે મંજૂરી માગવામાં આવી હતી. એ વખતે સરકારે આ માગણી ફગાવી દીધી હતી. મંજૂરી નહીં મળે એવી ઘસીને ના પાડી દીધી હોવાનું જાણવા મળે છે. હાલ સુવર્ણ યુગ આવતા વગર વિઘ્ને વહીવટ પાર પાડી દેવાના મલિન ઇરાદા સાથે દરખાસ્ત 19 વર્ષ પછી ફરી એકવખત સરકારમાં મોકલીને મંજૂરી મેળવી લેવાનો ઇરાદો હોય એવું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...