રાજકોટ: નારી સુરક્ષા માટે 3 વિદ્યાર્થિનીઓએ ડિવાઇસ શોધ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આત્મીય કોલેજની વિદ્યાર્થિનીઓની શોધને ડો.કલામે પણ બિરદાવી, મુખ્યમંત્રી સમક્ષ નવી ડિવાઇસનું પ્રેઝન્ટેશન કરાશે
રાજકોટ: દિલ્હીના દામિની પ્રકરણ બાદ નારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે ત્યારે આત્મીય કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓ વિભૂતિ પટેલ, રિધ્ધિ ગાંધી અને રિંકલ કોટડિયા દ્વારા નારી સુરક્ષા માટે નવા ડિવાઇસ ‘સંગીની’ની શોધ કરવામાં આવી છે. તેમની આ શોધને પૂર્વ રાષ્ટ્રપતિ અને ડો.અબ્દુલ કલામે પણ બિરદાવી છે.આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સની વિદ્યાર્થિનીઓ દ્વારા નારી સુરક્ષા માટે અનોખા સાધનોનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. કોલેજના પ્રાધ્યાપક વિરલ ઠાકરના માર્ગદર્શન હેઠળ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની વિભૂતિ પટેલ, રિધ્ધિ ગાંધી અને રિંકલ કોટડિયાએ નારીઓને મુશ્કેલીના કપરા સમયમાં સાથ આપતા આ ડિવાઇસનું નામ સંગીની રાખ્યું છે.
‘સંગીની’ વિશે માહિતી આપતાં ત્રણેય વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે એક નાનકડા પર્સમાં પણ સંગીની ડિવાઇસ ફિટ કરી શકાય છે. સંગીનીમાં એક બટન આપવામાં આવ્યું છે. તેમજ પર્સમાં એક કેમેરો ફિટ કરવામાં આવ્યો છે. આ બટન દબાવતા યુવતી મુશ્કેલીમાં હોવાના ચોક્કસ સંકેતો અને સંદેશો પોલીસ તંત્રને આ સંગીની દ્વારા મોકલવામાં આવશે. આ નવા ડિવાઇસને મોબાઇલ સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે.તેની વિશેષતા એ છે કે તે મહિલાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને સત્તાતંત્રને જીવંત દૃશ્યો સર્વરમાં સચવાઇ રહેશે. જેથી આરોપી સામે આ પુરાવા સજા માટે ઉપયોગી બનશે.
ત્રણ સેકન્ડમાં લોકેશન સેટ કરી લેતી સંગીની ડિવાઇસ 20 મિનિટમાં રિચાર્જ કરી શકાશે

નારી સુરક્ષા માટે તૈયાર કરાયેલા નવા ડિવાઇસની વિશેષતા એ છે કે તે તદન સાદી બેટરી પર ચાલે છે અને માત્ર 20મિનિટના એક રિચાર્જમાં સતત 4 કલાક ચાલે છે. સંગીની માત્ર બેથી ત્રણ સેકન્ડમાં પોતાનું લોકેશન સેટ કરી લ્યે છે.
પર્સ ઉપરાંત લોકેટ અને વેરેબલમાં પણ ડિવાઇસ ફિટ કરી શકાય છે

અંદાજે રૂ. 8 હજારના ખર્ચે તૈયાર થતા સંગીની ડિવાઇસને મહિલાઓ પર્સ ઉપરાંત લોકેટ અને વેરેબલમાં પણ ફિટ કરી શકાશે. વેરેબલ એટલે કે મહિલાઓએ પહેરેલા ડ્રેસ, ડિઝાઇનર એસેસરીઝ સહિતની વસ્તુઓમાં પણ તે ફિટ કરી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...