તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇલેવલ કમિટી સમક્ષ એક જ સૂર,રાજકોટને એઇમ્સ આપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ રાજકોટ કેન્દ્ર સરકારના  આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી સુનિલ શર્મા સહિતના પાંચ અધિકારીઓની ટીમ શુક્રવારે સવારે રાજકોટ આવી પહોંચ્યા બાદ 11 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે સાંસદ, ધારાસભ્યો, જિલ્લા કલેકટર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વહીવટી તંત્રે રજૂ કરેલા પેરામીટરની ચકાસણી કર્યા બાદ ખંઢેરી-પીપળિયા અને ખીરસરા ખાતે આવેલી બન્ને જગ્યાઓની સ્થળ વિઝિટ પણ લીધી હતી. કલેકટર કચેરીમાં બેઠક દરમિયાન તમામ ધારાસભ્યો અને સાંસદે રાજકોટને એઇમ્સ મળવી જ જોઇએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રના  જોઇન્ટ સેક્રેટરી સુનિલ શર્મા સહિત પાંચ અધિકારીઓ સાથે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ આવ્યા હતા અને કલેકટર કચેરીમાં ડોક્યુમેન્ટરી પ્રેઝન્ટેશનની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને મેડિકલની શું સુવિધા છે, મેડિકલની સુવિધામાં શું ત્રુટી છે, મેડિકલની સુવિધામાં શું પૂરક થઇ શકે તેમ છે, હાલનું રાજકોટનું મેડિકલ સ્ટ્રક્ચર કેવું છે, રાજકોટને એઇમ્સ મળે તો કેટલા જિલ્લાને મેડિકલ સુવિધા મળી શકે તેમ છે, હાલમાં રાજકોટમાં કેટલા બેડની સુવિધા છે, એઇમ્સથી શું ફાયદો થઇ શકે તેમ છે,
 
ખંઢેરી-પીપળિયા અને ખીરસરા સાઇટ કેટલી દૂર છે બસ, રેલવે અને અન્ય વાહનની શું ફેસિલિટી મળી શકે તેમ છે સહિતના મુદ્દાઓની ચકાસણી કરી હતી.કલેકટર ડો.વિક્રાંત પાંડેએ પોતાના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની વસતી 1.90 કરોડની છે અને સૌરાષ્ટ્રમાં છ મેડિકલ કોલેજ છે. સૌરાષ્ટ્રમાં 5280 બેડની જરૂરિયાત સામે માત્ર 3500 જેટલા બેડની સુવિધા છે, 1780 જેટલા બેડની ઘટ છે તે એઇમ્સ મળે તો પૂરી થઇ શકે તેમ છે. બીજુ કીડની, કેન્સર, બાયપાસ સર્જરી જેવી સિવિયર બીમારીમાં દર્દીઓને અમદાવાદ રીફર કરવા પડે છે જેના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો રાજકોટથી લઇ સૌરાષ્ટ્રના કોઇ જિલ્લામાં નથી.
 
જો રાજકોટને એઇમ્સ મળે તો લોકોને નજીકમાં શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થઇ શકે. આ બેઠકમાં ઉપલબ્ધ ધારાસભ્ય ગોવિદભાઇ પટેલ,ભાનુબેન બાબરિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયઅને સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતનાઓએ એક જ સૂરે રાજકોટને એઇમ્સ મળવી જોઇએ તેવી માગણી કરી હતી. એઇમ્સની ટીમે બેઠક પૂરી થયા બાદ ખંઢેરી-પીપળિયા અને ખીરસરાની બન્ને સાઇટની વિઝિટ લીધી હતી અને પાણી-વીજળીની અવેલીબિલિટી ચકાસી હતી.
 
રિપોર્ટ કેન્દ્રમાં મોકલવામાં આવશે

જોઇન્ટ સેક્રેટરી સુનિલ શર્માએ એઇમ્સ માટે 200 થી 250 એકર જગ્યાની જરૂરિયાત છે અને તે સ્ટેટ અથવા નેશનલ હાઇવેની સાથે કનેક્ટેડ હોવી જોઇએ. અમે બરોડા અને રાજકોટ બન્ને દરખાસ્તો છે તે જગ્યાની મુલાકાત લીધી છે અને તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને આપીશું. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા કમિટીના સૂચનોને ધ્યાને લઇ એઇમ્સની ફાળવણી સહિતનો નિર્ણય કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...