રાજકોટ: સિવિક સેન્ટરના બારણા ખુલે મોડા, સંકેલો થાય વહેલો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અંધેર તંત્ર: જન્મ-મરણના દાખલા માટેની કામગીરીમાં 2 વાગ્યાના બદલે 1:15 વાગ્યે રિસેસ
- હોકર્સ ઝોનનો ચાર્જ ભરવા આવનાર શ્રમિકોને બે-બે કલાક રાહ જોવી પડે છે

રાજકોટ: રાજકોટ મહાપાલિકાના સિવિક સેન્ટરની સેવામાં ફરી એકવખત ડાંડાઇ ચરમસીમાએ પહોંચી ગઇ છે. રિસેસનો સમય 2 વાગ્યાનો છે. પરંતુ સિવિક સેન્ટરનો કામચોર સ્ટાફ જન્મ-મરણનો દાખલો કઢાવવા આવતા અરજદારોને 1:15 વાગ્યામાં જ પરત ધકેલી દેતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. આ ઉપરાંત હોકર્સ ઝોનમાં સામે ચાલીને વહીવટીચાર્જ ચૂકવવા આવતા શ્રમિકોને સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી અધિકારી આવે તેની રાહ જોતા ઊભા રહેવું પડે છે. વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા પાસે આ ફરિયાદ આવતા ટોળાં સાથે કમિશનરને ઢંઢોળવા જવું પડ્યું હતું.

જન્મ-મરણ શાખામાં ચા કરતા કીટલી ગરમ જેવો રૂઆબ સિવિકનો સ્ટાફ અરજદાર ઉપર છાંટે છે. આવી જ ઘટના ગુરુવારે બની હતી. નંદન પોબારૂ નામના એક અરજદાર તેમના સંબંધીના મરણનો દાખલો કઢાવવા માટે સેન્ટ્રલ ઝોનના સિવિક સેન્ટરમાં સાર્પ 1:15 વાગ્યે ગયા હતા. ત્યારે ટેબલ પર બેઠેલા કર્મચારીએ રિસેસનો સમય થઇ ગયો છે. 3 વાગ્યા પછી આવો તેમ કહી રવાના કરી દીધા હતા. હકીકતમાં રિસેસનો સમય 2 વાગ્યાનો છે. ગુરુવારે જ બનેલી અન્ય એક ઘટનામાં હોકર્સ ઝોનમાં મનપા દ્વારા વસૂલાતો વહીવટ ચાર્જ તા.1થી 5 સુધીમાં ભરપાઇ કરી દેવો એવો નિયમ છે. એ પછી રૂ.100 દંડ વસૂલ કરવામાં આવે છે.

એકબાજુ આવી કડકાઇ અને બીજીબાજુ કામમાં ડાંડાઇ! હોકર્સ ઝોનના શ્રમિકો સેન્ટ્રલ ઝોનના સિવિક સેન્ટરમાં સવારે 10 વાગ્યામાં પહોંચી ગયા હતા. પરંતુ એસ્ટેટ ઓફિસર નરેન્દ્ર રાવલે તેનો કોઇ સ્ટાફ સિવિક સેન્ટરમાં બેસાડ્યો ન હોય શ્રમિકો 11:45 વાગ્યા સુધી રાહ જોઇને બેઠા હતા. અંતે કંટાળીને વિપક્ષી નેતા ગાયત્રીબા સમક્ષ ફરિયાદ કરવા આવતા ગાયત્રીબા તેમજ અશોકસિંહ વાઘેલા શ્રમિકોના ટોળાં સાથે મ્યુનિ. કમિશનરને નેહરાને ઢંઢોળવા ગયા હતા.

મેયરના પી.એ.એ સ્ટાફનો ઉધડો લીધો

મરણનો દાખલો કઢાવવા આવેલા અરજદારને રિસેસ પહેલા 45 મિનિટ અગાઉ જ કાઢી મુકાતા અરજદાર મેયરને ફરિયાદ કરવા ગયા હતા. મેયર હાજર ન હતા. તેમના પી.એ. હિન્ડોચાએ જન્મ-મરણ શાખાના જવાબદાર સ્ટાફનો ઉધડો લીધો હતો. અને બારી 2 વાગ્યા સુધી ખુલ્લી રખાવી હતી.