રાજકોટ: આધારકાર્ડના બોગસ કેન્દ્ર પર કોંગ્રેસની જનતા રેડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-જય મોલિયા નામનો શખ્સ બે મહિનાથી આધારકાર્ડના નામે રૂ. 50-50 ઉઘરાવતો હતો
રાજકોટ:રાજકોટના વોર્ડ નં.19માં કોઇપણ જાતના આધાર વગર ઘરમાં છેલ્લા બે માસથી આધારકાર્ડ કાઢતા કેન્દ્ર પર શહેર કોંગ્રેસે જનતા રેડ પાડી 2000 ફોર્મ ઝડપી પાડ્યા હતા અને આધારકાર્ડના નામે રૂ.50-50 ઉઘરાવતા પટેલ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે મહાનગરપાલિકાના ચૂંટણી શાખાના અધિકારી વલ્લભભાઇ પીપળિયાને જાણ કરવા છતાં તે ડોકાયા ન હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.19માં પ્રાઇવેટ ઘરની અંદર છેલ્લા બે માસથી કોઇપણ જાતના કંપનીના આધાર વગર જય મોલિયા નામનો શખ્સ રૂ.50-50 લઇ આધારકાર્ડ કાઢી આપતો હોવાની ફરિયાદ મળ‌તા બુધવારે એક કાર્યકરને મોકલી તપાસ કરવામાં આવી હતી. જેમાં આ વાત સાચી હોવાનું ખૂલતાં મહાનગરપાલિકાના નોડલ ઓફિસર વલ્લભભાઇ પીપળિયાને કેન્દ્ર બંધ કરાવવાની જાણ કરી હતી.
આમ છતાં ગુરુવારે કોર્પોરેશનના જવાબદાર અધિકારી દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા અંતે કોંગ્રેસે જનતા રેડ પાડતાં કેન્દ્રમાંથી 2000 ફોર્મ મળી આવ્યા હતા. આથી બોગસ કેન્દ્રને બંધ કરાવી તેના સંચાલક વિરુધ્ધ ભક્તિનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તેમજ તેના સંચાલક પાસેથી તેણેે ઉઘરાવેલા નાણાં લોકોને પરત આપી દેશે તેવી બાંહેધરી લખાવવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પણ કોર્પોરેશનના અધિકારી પીપળિયાને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તે કોર્ટમાં હોવાનું કહી આવ્યા ન હતા.
ખાનગી કંપનીની કિટ છે, કોર્પોરેશનની કિટ નથી, મનપાનું કાર્યક્ષેત્ર નથી
વોર્ડ નં.19માં કોંગ્રેસ જે રેડ પાડી છે તે સરકારે અન્ય ખાનગી કંપનીને આપેલા કોન્ટ્રાક્ટરની એજન્સી હશે તે કોર્પોરેશનની કિટ નથી. આથી કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં તે આવતી નથી, તેમજ આધારકાર્ડ માટે નાણાં લઇ શકાતા નથી.- વલ્લભભાઇ પીપળિયા, નોડલ ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા
અન્ય સમાચારો પણ છે...