ફાયરિંગ/ મોરબીના કાલિકા પ્લોટમાં જૂની અદાવતમાં 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ થતાં 12 વર્ષીય બાળકનું મોત, ચાર ઘાયલ

1 વર્ષ પહેલાં મુસ્તાક મીરની સરાજાહેર હત્યા થઈ ત્યારે બન્ને જૂથે સોગંધ લીધા હતા કે એકબીજાને ખતમ કરી નાખશે

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 01:24 PM

* કાલિકા પ્લોટમાં મધરાત્રે અજંપો, પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

* 1 આરોપીને લોકોએ પકડી, બેફામ માર મારી પોલીસને સોંપ્યો

* 20 ભડાકા કરી લુખ્ખાઓએ મોરબી પોલીસની આબરૂમાં બાકોરા પાડી દીધા

મોરબીઃ મોરબીમાં ફરી એકવાર ગેંગવોર ભડકી ઊઠી છે. બે જૂથ વચ્ચેની અદાવતમાં આ વખતે એક 12 વર્ષના નિર્દોષ બાળકનો ભોગ લેવાયો હતો. લોહીતરસ્યાં જૂથે કાલિકા પ્લોટમાં આરીફ મીરના મકાન પર અંધાધૂંધ 20 રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં આરીફના ઘર નજીક નિર્દોષભાવે રમતા 12 વર્ષના બાળકને ગોળી વાગતા તેનું મોત થયું હતું. એક પાંચ વર્ષની બાળકી સહિત ચાર વ્યક્તિને ઈજા થતાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ફૂટેલા અને જીવતા કારતૂસના 15 ખોખા ઘટનાસ્થળેથી મળ્યા

મોરબી પોલીસે પ્રાથમિક તબક્કે માહિતી આપતા જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં મુસ્તાક મીરનું હિતુભા ઝાલા સહિતના શખ્સોએ ખૂન કરી નાખ્યું હતું. ત્યારબાદ મીર અને ઝાલા જૂથ વચ્ચે વેરના બીજ રોપાયા હતા અને બન્ને એક બીજાને ઢાળી દેવાની વેતરણમાં હતા.દરમિયાન શનિવારે સાંજે કાલિકા પ્લોટમાં રહેતા આરીફ ગુલામભાઈ મીરના ઘર પાસે બે અજાણ્યા શખ્સો બાઈક પર ધસી આવ્યા હતા અને 20 રાઉન્ડ ફાયર કરતા ત્યાં રમી રહેલા વિશાલ બાંભણિયા નામનાે 12 વર્ષનો નિર્દોષ તરુણ ગેંગવોરનો ભોગ બન્યો હતો. જયારે શીપા વસીમભાઈ (ઉ.વ.11), આરીફ ગુલામભાઈ મીર (ઉ.વ.32), ઈમરાન સુમરા (ઉ.વ.23) અને એક પાંચ વર્ષની બાળકને ઈજા થઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી 15 ફૂટેલા અને જીવતા કાર્તુસના ખોખા કબજે કર્યા હતા.

ટોળાંએ વાહનોમાં તોડફોડ કરી


આરીફ મીરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ થયાની વાત વાયુવેગે પ્રસરી જતાં કાલિકા પ્લોટ વિસ્તારમાંથી એક જૂથનું 200 લોકોનું ટોળું પોલીસ સ્ટેશન સામે ધસી ગયું હતું અને તોડફોડ કરી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાંને વિખેરી નાખ્યું હતું.

બન્ને જૂથ એક બીજાને ઢાળી દેવાની પૂરી વેતરણમાં હતા

મોરબીમાં એક વર્ષ પહેલાં મુસ્તાક મીરની સરાજાહેર ગોળીઓ ધરબી દઈ હત્યા કરી નાખવામાં આવી હતી. આ ખૂન કેસમાં હિતુભા ઝાલા સહિતના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. મુસ્તાકની અંતિમયાત્રા નીકળી ત્યારે જ મીર જૂથે સોગંધ લીધા હતા કે વિરોધી જૂથના શખ્સોને ઢાળી દઈશું. જો કે જેલમાં રહેલા હિતુભા ઝાલા પેરોલ ફર્લો પર છૂટીને ફરી જેલમાં હાજર થયા ન હતા. આથી મોરબીના લોકોને પણ શંકા હતી કે મીર અને ઝાલા જૂથ વચ્ચે ફરી કંઈક નવાજૂની થશે. બન્ને જૂથ એક બીજાને ભરી પીવા છેલ્લા એક વર્ષથી તત્પર હતું અને મોકાની રાહ જોતું હતું. શનિવારે કાલિકા પ્લોટમાં મુસ્તાકના ભાઈ આરીફને ત્યાં રાજવીરસિંહ સહિતના બે શખ્સ ધસી ગયા અને 20 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આમ મીર જૂથ વળતો હુમલો કરે તે પહેલાં ઝાલા જૂથના શખ્સો આરીફના ઘરે પહોંચી ગયા હતા અને ખેલ પાડી દીધો હતો. આરીફને હાથમાં ગોળી વાગી છે. તેનાે પાડોશી ઈમરાન પણ ઘવાયો છે. હવે શું થાય છે તે જોવાનું રહ્યું.

(માહિતી અને તસવીરઃ કિશન પરમાર, મોરબી)

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App