તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણી ધાર્મિક કથા સાહિત્યનું જતન કરવામાં આખ્યાન શૈલીનું અતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણી ધાર્મિક કથા સાહિત્યનું જતન કરવામાં આખ્યાન શૈલીનું અતિ મહત્ત્વનું યોગદાન છે.પ્રિન્ટિંગ ટેક્નોલોજી આવી તે પહેલા સુધી આ સાહિત્ય લોકમુખે જ સચવાતું હતું. હવે ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના યુગમાં આ પ્રકારની અનેક કળાઓ લુપ્તતાના આરે પહોંચી ગઇ છે. અત્યારે આ 400 વર્ષ જૂની માણભટ્ટ પરંપરા વિલુપ્તતાના આરે ઊભી છે. જેમાં અત્યારે જોઇએ તો ફક્ત ત્રણ જ માણભટ્ટ બચ્યા છે. જેમાં વડોદરાના 88 વર્ષના માણભટ્ટ ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા અને તેમના બે પુત્ર પ્રદ્યુમ્ન પંડ્યા (57 વર્ષ) અને મયંક પંડ્યા (52 વર્ષ)નો સમાવેશ થાય છે. રાજકોટમાં તા.24થી 26મી એપ્રિલ દરમિયાન રામકૃષ્ણ આશ્રમ ખાતે તેઓ મહાકવિ પ્રેમાનંદ કૃત સુદામા ચરિત્ર અને નળાખ્યાન તેમજ રામાયણ આધારિત ભરત મિલાપ આખ્યાનનું માણભટ્ટ શૈલીમાં રસપાન કરાવશે.

અગાઉ જ્યારે સોશિયલ મીડિયા કે ટીવી ચેનલો ન હતી ત્યારે ગ્રામ્ય સ્તરે માણભટ્ટો દ્વારા આપણા ગૌરવમયી ઇતિહાસને રજૂ કરતા માણભટ્ટના આખ્યાનો યોજાતા ત્યારે રાત્રીના વાળુ બાદ લોકો બેથી અઢી કલાક સુધી માણભટ્ટ દ્વારા તેની માણ વગાડીને મુખ્યત્વે કેદાર અને બિહાગ જેવા રાગમાં રજૂ કરાતા આખ્યાનો સાંભળવા અેકઠા થતા. આ કાર્યક્રમ એકાદ મહિના સુધી ચાલતો. માણભટ્ટે બદલામાં લોકો સીધુ સામગ્રી અને જે કઇ દ્રવ્ય આપે તેમાંથી ગુજરાન ચાલતું હતું. માણભટ્ટ પરંપરા જોઇએ તો આદી કવિ નરસિંહ મહેતાથી શરૂ થયેલી આખ્યાન શૈલીને જીવંત રાખવામાં ભાલણ, નાકર બાદ પ્રેમાનંદથી માણભટ્ટ શૈલીનો પ્રારંભ થયો. જે દયાનંદ બાદ અટકી ગયો. પ્રેમાનંદના 40થી વધુ આખ્યાનો પૈકી 10થી 15 આખ્યાનો અતિ લોકભોગ્ય છે, ત્યારે શહેરના રામકૃષ્ણ આશ્રમના ઉપક્રમે તા.21થી 29મી એપ્રિલ દરમિયાન વાર્ષિકોત્સવનું આયોજન કરાયું છે. જેમા માણભટ્ટના આખ્યાન ઉપરાંત આધ્યાત્મિક શિબિર સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...