તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમેદવારો કરતા તેમના સગા વધુ ધનવાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જાહેર કરેલી મિલકતોમાં તેમનાથી વધુ મિલકત તેમના પત્ની-પતિ કે આશ્રિતો પાસે છે. નોકરી, ધંધા વગર ઉમેદવારોના પરિવારજનો કરોડો રૂપિયાના આસામી બની ગયા છે. ખાસ કરીને ઉમેદવારોના પત્નીઓ ગૃહિણી હોવા છતાં તેમની પાસે કરોડો રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકતો છે. સૌરાષ્ટ્ર-કચ્છની 7 બેઠક પરના ભાજપ, કોંગ્રેસના 11 ઉમેદવારોએ પોતાની આવકનો મુખ્યસ્ત્રોત ખેતી દેખાડી છે, જ્યારે માત્ર ભાવનગરના બે અને કચ્છના એક ઉમેદવારે આવકનો સ્ત્રોત અન્ય દેખાડ્યો છે.

રાજકોટ : ભાજપના ઉમેદવાર મોહનભાઇ કરતા પત્ની પાસે ડબલ મિલકત ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયા પાસે જંગમ મિલકત રૂ.17063207ની છે, જ્યારે તેમના પત્ની અમૃતાબેન પાસે રૂ.31139572ની છે. મોહનભાઇએ ગત વર્ષે 6.51 લાખની જ્યારે તેમના પત્નીએ 11.75 લાખની આઇટી રિટર્ન ફાઇલ કર્યું હતું. મોહનભાઇના પત્ની ગૃહિણી છે જ્યારે તેઓ પોતે ખેતી, ઉદ્યોગ અને બેંક વ્યાજની આવક ધરાવે છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પાસે 8.59 કરોડની જંગમ મિલકત છે, પરંતુ 7.9 કરોડ રૂપિયાનું દેણું પણ છે. જ્યારે તેમના પત્ની પાસે 45.38 લાખની જંગમ મિલકત છે.

જામનગર : કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા પાસે રૂ.15331198ની જંગમ મિલકત છે જ્યારે તેમના પત્ની મેણીબેન પાસે રૂ.18393367ની જંગમ મિલકત છે. તેમના પત્નીએ ગત વર્ષે રૂ.2783917નું અને મુળુભાઇએ રૂ.607477નું આઇટી રિટર્ન ફાઇલ કર્યું હતું. મુળુભાઇની આવકનો સ્ત્રોત ખેતી અને લેન્ડ ડેવલોપર્સ છે, જ્યારે તેમના પત્ની ખેતીકામ અને ગૃહિણી છે. ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે વર્ષ 2017-18માં રૂ.10016520નું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું હતું, જ્યારે તેમના પતિ પરબિંદરકુમારે રૂ.35237460નું રિટર્ન ફાઇલ કર્યું હતું. જોકે પૂનમબેન પાસે પતિ કરતા જંગમ અને સ્થાવર મિલકત વધુ છે. આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી, બિઝનેસ, પગાર, ભાડે અને વ્યાજનો છે.

પોરબંદર: ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુકે પોતાની પાસે રૂ.70486300ની સ્થાવર મિલકત હોવાનું જાહેર કર્યું છે, જ્યારે તેમના પત્ની મંજુલાબેનની રૂ.85674150 છે. જોકે રમેશભાઇ પાસે જંગમ મિલકત વધુ છે. તેમના પત્ની ખેતી કામ કરે છે અને ગૃહિણી છે, જ્યારે રમેશભાઇ જમીન-મકાન, બિઝનેસ ધરાવે છે. કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ વસોયાના પત્ની પણ ગૃહિણી છે આમ છતાં તેમની પાસે રૂ.65 લાખની સ્થાવર મિલકત છે અને 5.82 લાખની જંગમ મિલકત ધરાવે છે. જ્યારે લલિતભાઇ પોતે રુ.1.60 કરોડની મિલકત ધરાવે છે.

જૂનાગઢ : કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇ વંશે પોતાની જંગમ મિલકત રૂ.6437844 જાહેર કરી છે, જ્યારે તેમની દીકરી પ્રીતિબેન, પુત્ર પરેશ, પુત્રવધૂ વર્ષાબેન અને પત્ની મીનાક્ષીબેન પાસે રૂ.56 લાખની મિલકત હોવાનું જાહેર કર્યું છે. પોતે ખેતીકામ, પત્ની ગૃહિણી, પુત્રી પેટ્રોલપંપનો વ્યવસાય કરે છે, જ્યારે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પેઢીના માલિક છે અને 60 લાખ રૂપિયાની સ્થાવર અને 47 લાખ રૂપિયાની જંગમ મિલકત હોવાનું જાહેર કર્યું છે. પત્ની પાસે પાનકાર્ડ નથી.

અમરેલી: ભાજપના ઉમેદવાર નારણભાઇ કાછડિયાના પત્ની મુક્તાબેન ગૃહિણી છે અને તેમણે ગત વર્ષે રૂ.2.99 લાખનું આઇટી રિટર્ન ફાઇલ કર્યું છે, જ્યારે 10.79 લાખની જંગમ મિલકત ધરાવે છે. તેમના પુત્ર ધર્મેશ અને પીયૂષ પાસે 1.29 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. નારણભાઇ પણ ખેતી કામ કરે છે આમ છતાં તેમની પાસે 1.72 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. કોંગ્રેસના પરેશ ધાનાણી પાસે 48.17 લાખની જંગમ અને 68.50 લાખની સ્થાવર મિલકત છે. પત્ની વર્ષાબેન પાસે રૂ.2530236ની જંગમ મિલકત છે અને તે ટ્યૂશન ક્લાસિસ ચલાવે છે.

ભાવનગર: ભાજપના ડો.ભારતીબેન શિયાળ પાસે રૂ.41.75 લાખની સ્થાવર મિલકત છે અને તેમના પતિ ડો.ધીરૂભાઇ શિયાળ પાસે રૂ.73.75 લાખની સ્થાવર મિલકત છે. બન્ને વ્યવસાયે ડોક્ટર છે. સાથે બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા છે. કોંગ્રેસના પટેલ મનહરભાઇ પાસે રૂ.7226348ની અને તેમના પત્ની રૂ.7985487ની જંગમ મિલકત છે. મનહરભાઇ પાસે રૂ.2.80 કરોડની જ્યારે તેમના પત્ની નીતાબેન પાસે 3.48 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. આમ આવક મનહરભાઇ કરતા તેમના પત્નીની વધુ છે.

અન્ય સમાચારો પણ છે...