તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Inspector Of The Weights Department Was Arrested By Taking A Bribe 034121

તોલમાપ ખાતાનો જુનિયર નિરીક્ષક લાંચ લેતા ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇલેક્ટ્રિક કાંટા અને વે-બ્રિજ રિપેરિંગના કમિશનના બિલ મંજૂર કરવાની અવેજમાં તોલમાપ ખાતાના જુનિયર નિરીક્ષકે રૂ.30 હજારની લાંચ માગી હતી અને લાંચની રકમ સ્વીકારતા જ લાંચ રુશ્વત વિરોધી શાખાએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. નિરીક્ષકે પંદર દિવસ પૂર્વે પણ 20 હજાર પડાવ્યા હતા.

શહેરના જંકશન પ્લોટ વિસ્તારની કોલસાવાડીમાં દુકાન ધરાવતા અને વજન કાંટા તથા વે-બ્રિજ રિપેરિંગનું માન્ય લાઇસન્સ ધરાવતાં કર્મીએ તેમણે કરેલી કામગીરીના બિલ ત્રિકોણબાગ નજીક ભાવનગરના ઉતારામાં આવેલી કાનૂની માપ વિજ્ઞાન (તોલમાપ) અને ગ્રાહક સુરક્ષાની કચેરીમાં રજૂ કર્યા હતા. બિલ તપાસણી અને તેને મંજૂરી માટે આગળ મોકલવાની જવાબદારી કચેરીના જુનિયર નિરીક્ષક મહેન્દ્ર ભગવાન પ્રજાપતિ પાસે આવી હતી.

મહેન્દ્ર પ્રજાપતિએ બિલ મંજૂર કરવાની અવેજમાં રૂ.30 હજાર માગ્યા હતા. જુનિયર નિરીક્ષકની લાંચિયાવૃત્તિથી ત્રસ્ત બનેલા અરજદારે એસીબીમાં જાણ કરી હતી. એસીબી દ્વારા છટકું ગોઠવાયું હતું. જુનિયર નિરીક્ષક નક્કી થયા મુજબ ગુરુવારે બપોરે કોલસાવાડીમાં આવેલી અરજદારની દુકાને ગયો હતો અને રૂ.30 હજારની લાંચની રકમ અરજદાર પાસેથી લેતાં જ એસીબીના પીઆઇ સુરેજા સહિતના સ્ટાફે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

પીઆઇ સુરેજાએ જણાવ્યું હતું કે, માન્ય વ્યક્તિ દ્વારા વજન કાંટા અને વે-બ્રિજ રિપેરિંગના એક કાંટે રૂ.100 મળતા હોય છે અને બે-ત્રણ મહિને તેમના દ્વારા બિલ મુકવામાં આવતા હોય છે. પંદર દિવસ પૂર્વે પણ જુનિયર નિરીક્ષકે અરજદાર પાસેથી રૂ.20 હજાર પડાવ્યા હતા અને વધુ રૂ.30 હજારની માગ કરતા અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમ દ્વારા મહેન્દ્ર પ્રજાપતિના ઘરે પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...