તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Development Puc Center Will Be Subject To Notice Validity Cancellation 073533

વિકાસ પીયુસી સેન્ટરને નોટિસ, માન્યતા રદ સુધીની કાર્યવાહી થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ

શહેરના ગોંડલ રોડ પર સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે આવેલા વિકાસ પીયુસી સેન્ટરના સંચાલકને આરટીઓએ નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો આપવા આદેશ કર્યો છે. વિકાસ પીયુસી સેન્ટરના સંચાલક તેમની પાસે પીયુસી કઢાવવા આવતા ચાલકોના વાહન પીયુસી માટે રિજેક્ટ કરી બાદમાં ગેરેજવાળા પાસે વાહનનું સેટિંગ કરાવવા કહેતા, અને બાદમાં પીયુસી પાસ કરાવી આપતા હોવાની ગેરરીતિ આચરતા હોવાના ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત થયેલા અહેવાલને પગલે આરટીઓએ પીયુસી સંચાલકને નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસમાં ખુલાસો આપવા જણાવાયું છે. અન્યથા પીયુસી સેન્ટરની માન્યતા રદ કરવા સુધીના કડક પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આરટીઓ અધિકારીએ જણાવ્યું છે.

ટ્રાફિકના નવા નિયમો અમલી થતાં જ વાહનચાલકોમાં પીયુસી કઢાવવા લાઈનો લાગી હતી. આ તકનો ફાયદો ઉઠાવવા પીયુસી સંચાલકે વાહનચાલકોને આડકતરી રીતે લૂંટવાનું શરૂ કર્યું હતું. વિકાસ પીયુસી સેન્ટરમાં આવતા વાહનને રિજેક્ટ કરી આ જ સેન્ટરમાં ચાલતા ગેરેજવાળા સાથે વાહનચાલકને મળાવી દેતા અને પીયુસી કઢાવવું હોય તો વાહનનું સેટિંગ કરાવવા દબાણ પણ કરતા. પીયુસી સંચાલક પીયુસી કાઢવાના રૂ. 30 અને ગેરેજવાળા વાહનનું સેટિંગ કરવાના રૂ. 100 પડાવતા. આમ ગ્રાહકને રૂ. 130નો ચૂનો લગાવતા હોવાની આરટીઓને કરાયેલી ફરિયાદને પગલે તંત્રએ આકરી કાર્યવાહી કરતા આ વિકાસ પીયુસી સેન્ટરને નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસમાં ખુલાસો આપવા જણાવાયું છે.

આગામી દિવસોમાં શહેરના પીયુસી સેન્ટરમાં નિયમિત ચેકિંગ કરવામાં આવશે તેમ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું.

 ઈમ્પેક્ટ
અન્ય સમાચારો પણ છે...