તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Body Of A Young Man Was Found In Kothariya Solvent By Machhunagar 071515

મચ્છોનગરના યુવાનની ગળાટૂંપો દીધેલી લાશ કોઠારિયા સોલવન્ટ પાસેથી મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા રેલવે ફાટક પાસેથી શનિવારે સવારે યુવાનને ગળાટૂંપો આપેલી હાલતમાં લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં ગળાના ભાગે ઇજાના નિશાન જણાતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. મૃતક યુવાન કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા મચ્છોનગરમાં રહેતો પરેશ નાથાભાઇ ગોહેલ હોવાનું ખૂલતા પોલીસે તેના પરિવારને બનાવ સ્થળે બોલાવી ઓળખ મેળવી હતી.

કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા પાણીના ટાંકા નજીક એક પ્લોટમાં પાયા ખોદવા માટે શનિવારે સવારે શ્રમિકો પહોંચ્યા હતા. આ સમયે શ્રમિકોને પ્લોટ નજીક એક યુવાન બેભાન હાલતમાં પડેલો જોવા મળતા 108ને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે તપાસ કરી યુવાનનું મોત નીપજ્યાનું જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી. જાણ થતાની સાથે આજી ડેમ પોલીસમથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.જે.રાઠોડ કોઠારિયા સોલવન્ટ દોડી આવ્યા હતા. પ્રથમ યુવાનની ઓળખ મેળવવા મૃતક યુવાનના કપડાં તપાસતા અંદરથી ફોન નંબર લખેલો એક કાગળ મળ્યો હતો. જે નંબરના આધારે તપાસ કરતા મૃતક પરેશ ગોહેલ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે તેના પરિવારને જાણ કરી ઓળખ મેળવી હતી. બાદમાં પરેશના ગળામાં ઇજાના નિશાન પ્રાથમિક તપાસમાં જોવા મળતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરિવારજનોની પૂછપરછમાં મજૂરી કામ કરતા પરેશને સંતાનમાં બે પુત્ર છે. પત્ની સાથે મનમેળ નહીં થતાં પરેશ પત્ની, સંતાનોને છોડી મચ્છોનગરમાં રહેતા માતાના ઘરે રહેતો હતો. તપાસનીશ અધિકારી રાઠોડે કહ્યું કે, પરેશ તેની માતાના ઘરેથી કયારે બહાર ગયો તે અંગે કોઇને જાણ નથી. મૃતદેહ જોતા બનાવ ગત રાત્રીના 3 થી 4 વાગ્યાના અરસામાં બન્યો હોવાનું એફએસએલની ટીમે જણાવ્યું છે. જ્યારે પરેશનું મોત ગળાટૂંપો દેવાથી થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતા હત્યાની શંકાએ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...