Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઠેબચડા ગામે વાડીમાંથી રૂ. 2 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
શહેરમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ત્યારે બુટલેગરો સામે લાલ આંખ કરી પોલીસે જૂદા જૂદા સ્થળે દરોડા પાડ્યા છે. જેમાં ઠેબચડા ગામની સીમમાંથી બે લાખનો તેમજ કુબલિયાપરામાંથી તેર હજારની કિંમતનો વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો છે.
રાજકોટ તાલુકાના ઠેબચડા ગામની સીમમાં ખીમા નાથાભાઇ વાઢેર નામના શખ્સે તેની વાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતાર્યો હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. ચોક્કસ માહિતીને પગલે ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ઠેબચડા ગામે ખીમા વાઢેરની વાડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વાડીમાંથી ખીમા વાઢેર મળી આવ્યો હતો. બાદમાં વાડીની ઓરડીમાં તપાસ કરતા અંદરથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 564 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.2,07,600નો દારૂ કબજે કરી ખીમા વાઢેરની ધરપકડ કરી પૂછપરછનો દોર શરૂ કર્યો છે.
અન્ય એક બનાવમાં કુબલિયાપરા આંબેડકરનગર-2માં રહેતા સની ઉર્ફે સનિયો રામજી ખચિયો નામના શખ્સે તેની મોટી માના ઘરેથી વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેને પગલે પોલીસે દરોડો પાડી રૂ.13,200ની કિંમતની 33 બોટલ પકડી પાડી હતી. દરોડા દરમિયાન સની ઉર્ફે સનિયો પોલીસને હાથ નહીં લાગતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.