15 કલાકમાં 80 રિપોર્ટની ક્ષમતા ધરાવતી કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં કોરોનાના ટેસ્ટ કરવા માટે લેબ તૈયાર થઈ ગઈ છે જેથી એક જ દિવસમાં બે તબક્કે 15 કલાકમાં 80 લોકોના કોરોના ટેસ્ટ રાજકોટમાં થઈ શકશે.

કોરોનાના રિપોર્ટ માટે સૌરાષ્ટ્રમાં જામનગરમાં લેબ બનાવાઈ છે. જેને કારણે રાજકોટમાંથી શંકાસ્પદ કેસ નીકળે તો તેમના સેમ્પલ લઈને જામનગર મોકલવામાં આવે છે અને ત્યાં ટેસ્ટિંગ કર્યા બાદ પરિણામ મળે જેમાં 24 કલાક કરતા વધુ સમય વીતી જાય છે. રાજકોટની મેડિકલ કોલેજમાં આ ફેસિલિટી ઊભી કરવા તાબડતોબ તૈયારી કરાઇ હતી અને જિલ્લા વહીવટી તંત્રે 3.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. ચાર દિવસ પહેલા લેબ ટેસ્ટિંગ કેબિનેટ આવી હતી અને ટેક્નિશિયન વાપીથી આવતા વાર લાગી હતી. તેમજ કિટની વ્યવસ્થા પણ ભાવનગરથી કરાઇ હતી. શુક્રવારે કંટ્રોલ ટેસ્ટ કર્યા બાદ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને મોકલતા ત્યાંથી મંજૂરી મળતા હવે લોકોના ટેસ્ટ થઈ શકશે. મેડિકલ કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવે જણાવ્યું હતું કે, આ ટેસ્ટ માટે એકસાથે 40 સેમ્પલ મૂકી શકાશે અને તેનું રિઝલ્ટ 7 કલાકે મળશે. દરરોજ નિયત સમયે ટેસ્ટિંગની સાઇકલ શરૂ કરાશે અને જરૂર પડ્યે બીજી સાઇકલ પણ મુકાશે. આ ક્ષમતાએ 15 કલાકમાં 80 સેમ્પલના રિઝલ્ટ મેળવી શકાશે.

કંટ્રોલ ટેસ્ટ કરીને આઈસીએમઆરની મંજૂરી મેળવાઈ, જામનગરને બદલે રાજકોટમાં જ સેમ્પલનું ટેસ્ટિંગ થશે

મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગમાં સુવિધા ઊભી કરાઈ

રાંધેલ ભોજનને બદલે કરિયાણું આપો : કલેક્ટર

રાજકોટમાં લોકડાઉનને પગલે ગરીબોને ભોજન માટે ઘણી સંસ્થાઓ કાર્ય કરી રહી છે. તે મામલે કલેક્ટરે કામગીરીને વખાણતા કહ્યું હતું કે, જે લોકો મુસીબતમાં છે તેમને મદદ મળી રહી છે તે સારી વાત છે, પણ સંસ્થાઓએ શક્ય હોય ત્યાં સુધી કરિયાણું આપવું જોઈએ કે જેથી પરિવારો પોતાની રીતે રાંધી શકે. ભોજન એ લોકોને આપવું કે જેઓ એકલા રહે છે, રાંધવાની વ્યવસ્થા નથી તેમજ એવા વિદ્યાર્થીઓ કે પી.જી.માં રહેતા લોકો કે જેમની પાસે રહેવા રૂમ તો છે પણ ત્યાં કશું રાંધી શકે તેમ નથી.
અન્ય સમાચારો પણ છે...