તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ હેવી લાઇસન્સ કાઢી આપતો RTO એજન્ટ પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

આરટીઓ કચેરીમાં પ્રતિબંધ છતાં એજન્ટોનો પગપેસારો વર્ષોથી યથાવત છે ત્યારે શુક્રવારે એસઓજી પોલીસે આરટીઓ કચેરીની બાજુમાં જ માધવ એજન્સી નામની ઝેરોક્ષની દુકાનમાં દરોડો પાડી બોગસ દસ્તાવેજોના આધારે હેવી લાયસન્સ કાઢી આપતા હિમાંશુ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી પોલીસે 14 લર્નિંગ લાયસન્સ કબ્જે કર્યા છે જેમાંથી 6 ખોટા હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત હેવી લાયસન્સ કઢાવવા માટે અરજદાર 8 ધોરણ પાસ હોવો જરૂરી હોવાનો નિયમ છે પરંતુ આ શખ્શ સ્કુલના કોરા બોગસ સર્ટિફિકેટ પણ રાખતો જેના આધારે ઓછું ભણેલા અરજદારોને પણ મોટી રકમ લઈને બોગસ દસ્તાવેજોના આધારે અને ઓનલાઈન સિસ્ટમમાં પણ ચેડા કરીને લાયસન્સ કાઢી આપતો હોવાનું જાણવા મળ્યું છે.

બોગસ દસ્તાવેજોના આધારે લાયસન્સ કાઢી આપતા શખ્સને પોલીસે દબોચી લઈ પૂછપરછ દરમિયાન હજુ વધુ લોકોની પણ આમાં સંડોવણી ખુલવાની સંભાવના પ્રબળ બની છે. મહત્વની બાબત એ પણ છે કે આરટીઓ કચેરીની બાજુમાં જ આટલું મોટું કારસ્તાન ચાલી રહ્ય હતું છતાં અધિકારીઓ અને કર્મચારીઓ અંધારામાં હતા કે પછી એમની મીઠી નજર હેઠળ જ આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું તે તપાસમાં ખુલશે. પોલીસે હાલ કેટલા સમયથી આ કૌભાંડ કરી રહ્યો છે, કેટલા લોકો આમાં સંડોવાયેલા છે, આરટીઓના ક્યાં કર્મચારી આ શખ્સ સાથે શામેલ છે તેની તપાસ ચાલી રહી છે. હાલ એસઓજી પોલીસે 14 બોગસ લર્નિંગ લાયસન્સ, બોગસ સ્કુલ સર્ટિફિકેટ સહિતની સામગ્રી જપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...