રેલનગરના બ્રિજમાં તંત્રની આળસથી અકસ્માતનું જોખમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

રેલનગર અંડરબ્રિજમાં ચોમાસા દરમિયા સતત પાણી આવતું હોવાથી તેમજ બ્રિજની નિયમિત સફાઇ થતી ન હોવાથી ત્યાથી પસાર થતા વાહનચાલકો પર અકસ્માતનું જોખમ છે. બ્રિજની સફાઇ કરવામાં ન આવી હોવાથી બ્રિજમાં ધૂળ, પથ્થરના કારણે બાઇક સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે. આ અંગે કોર્પોરેટરને મનપામાં રજૂઆત કરી વહેલી તકે બ્રિજનો પ્રશ્ન હલ કરવા માગ કરી છે.

વોર્ડ નં. 3ના કોંગ્રેસના કોર્પોરેટર ગાયત્રીબા જાડેજાએ મનપામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે અંડરબ્રિજ આ વિસ્તારમાં વસવાટ કરતા પચાસ હજાર લોકોની અવરજવર માટેનો મુખ્ય રસ્તો છે પરંતુ પ્રથમથી ઈજનેરી ક્ષતિઓ અને કામગીરીમાં લાપરવાહીના કારણે ચોમાસા દરમિયાન કરોડો રૂપિયા ખર્ચી લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલા અંડરબ્રિજ બિનઉપયોગી બની ગયા છે. નિયમિત સફાઈની જવાબદારીની ફેંકાફેંકીના કારણે અંડરબ્રિજમાં કચરાના અને રેતીના ઢગલાઓ તેમજ ગંદકી ફેલાઈ રહી છે. જેથી રસ્તે નીકળતા લોકો ત્રસ્ત છે. સમયસર વરસાદી પાણી ન ઉલેચવાના કારણે અને જમીનમાંથી સતત પાણીનો પ્રવાહ ચાલુ રહેવાથી સિમેન્ટના રોડ ઉપર શેવાળ તેમજ રેતીના થર જામી જાય છે. તેમજ શેવાળ જામી જવાના કારણે તેમજ રેતી અને કાંકરાના ઢગલાના કારણે અનેક વાહનચાલકો સ્લીપ થઈ જવાથી અનેક અકસ્માતની ઘટનાઓ બને છે તેમજ અંડરબ્રિજના વળાંક પાસે અકસ્માત નિવારવા માટે મુકવામાં આવેલ મીરર પણ તૂટી - કટકા થઈ નીચે પડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...