રાજકોટ કલેક્ટર કચેરીમાં રેવન્યૂ ફાઇલ મોનિટરિંગ સિસ્ટમ એક્ટિવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર.રાજકોટ

રાજકોટ કલેકટર કચેરીમાં શુક્રવારે આર.ઓ. મીટિંગ યોજાઇ હતી જેમાં રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ રેવન્યુ વિભાગે તાજેતરમાં એપ્લાય કરેલી રેવન્યૂ ફાઇલ મોનિટરિંગ સિસ્ટમ (આરએફએમએસ)ની માહિતી આપી હતી.

રાજકોટ જિલ્લા અધિક કલેકટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, આરએફએમએસનો નવો સોફટવેર રેવન્યુ વિભાગે અમલી કર્યો છે જેથી કોઇપણ જગ્યાએ રેવન્યૂના કેસોને લગતી ફાઇલ ઇનવર્ડ કરી હોય તેનું ત્યાંથી ઓનલાઇન મોનિટરિંગ થઇ શકશે, આ ફાઇલ રાજકોટથી લઇ ગાંધીનગર સુધીની કચેરીઓમાં કયાં સ્ટેજે છે, કયાં અધિકારી પાસે આ ફાઇલ કેટલા દિવસ સુધી પડી રહી છે, કયાં કારણોસર ફાઇલ અટકી છે સહિતની વિગતો ઓનલાઇન મોનિટરિંગ કરી શકાશે. અરજદારને બિનજરૂરી રીતે થતી હેરાનગતિ દૂર થશે. આઇઆરસીએમએસ સોફટવેરમાં જેટલા કોર્ટ કેસ ચાલતા હોય તેની એન્ટ્રી કરવાનો નિર્ણય કરાયો હતો. તેમજ તુમાર નિકાલ, વરસાદ માપક યંત્રોની ચકાસણી કરવી, 90 દિવસથી વધુ જૂના તકરારી કેસોના નિકાલ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી.

આજે પ્રભારી મંત્રી રાજકોટ આવશે
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા શનિવારે રાજકોટમાં તમામ પ્રાંત અધિકારીઓ અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટ જિલ્લામાં પાણીની શું સ્થિતિ છે, કેટલો જથ્થો ઉપલબ્ધ છે, આગામી દિવસો માટે શું આયોજન છે સહિતની બાબતોની સમીક્ષા કરશે.

અન્ય સમાચારો પણ છે...