તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોરઠમાં વરસાદની ઇનિંગ ચાલુ, વિસાવદરમાં 4.5 ઇંચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવરાત્રીની ચાલતી તડામાર તૈયારીઓની સાથોસાથ વરસાદ પણ જોશભેર ત્રાટકતાં ખેલૈયાઓના જીવ પડીકે બંધાયા હતા, હવે વરસાદે ખેલૈયાઓની વધુ કસોટી કરવાનું રહેવા દીધું હોય તેમ સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો અને જિલ્લામાં ઝાપટાં વરસી રહ્યા છે. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મેઘસવારી યથાવત્ રહી હતી. મોરબી શહેરમાં એક ઇંચ અને ટંકારામાં બે ઇંચ પાણી વરસાવી દીધું હતું. બીજી તરફ જામનગર અને રાજકોટ જિલ્લાના મોટાભાગના શહેરોમાં હળવા ભારે ઝાપટાં જ વરસ્યા હતા. બીજી તરફ પોરબંદર જિલ્લામાં અડધાથી બે ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો. જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં સારી એવી મેઘ મહેર જારી રહી હતી.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને ઊનામાં 1 , ગીરગઢડા અને સૂત્રાપાડા તેમજ કોડીનારમાં દોઢ ઇંચ, જ્યારે તાલાલામાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જિલ્લાના કેશોદ,જૂનાગઢમાં અડધો ઇંચ જ્યારે ભેંસાણમાં પા ઇંચ, મેંદરડામાં પોણો , માંગરોળ અને માળિયા હાટીનામાં અડધો ઇંચ, જ્યારે વિસાવદર સાડા ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. પોરબંદર શહેરમાં 2 ઇંચ, કુતિયાણા પોણો ઇંચ પાણી પડ્યું હતું અને અમરેલી જિલ્લાના ખાંભામાં 2 ઇંચ, સાવરકુંડલામાં સવા,તેમજ બાબરા, અમરેલી, ધારી, બગસરા, લાઠીમાં અડધો ઇંચ વરસાદ પડી જતાં હવે તો મેઘરાજા ખમૈયા કરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

અરબી સમુદ્રમાં લો-પ્રેસર
અરબી સમુદ્રમાં હાલ હળવા દબાણને પગલે સાયક્લોન સિસ્ટમ સક્રિય બની છે. આ સિસ્ટમ આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે અસર કરવાની હોય દ્વારકા, પોરબંદર તેમજ નવલખીના બંદર પર 2 નંબરનું સીગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...