માતાજીનું માન રાખશે મેઘરાજા, નોરતામાં સાંજ સુધી જ વરસશે વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓણ સાલ વરસાદે સૌ કોઇને ખુશ કરી દીધા છે, સૌરાષ્ટ્રમાં સારો નહીં, પરંતુ ખૂબ જ સારો વરસાદ પડ્યો છે. નવરાત્રીમાં પણ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. જોકે મેઘરાજા નોરતાના દિવસો દરમિયાન માતાજીનું માન રાખે તેવી રીતે વરસાદ વરસશે. 5મી ઓક્ટોબરથી ચોમાસાની વિદાય શરૂ થઇ જશે અને 10મી ઓક્ટોબર બાદ શિયાળાના આગમનના દિવસોના સંકેત મળતા શરૂ થશે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, હજુ બે દિવસ એટલે કે રવિ અને સોમવારે સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા સ્થળે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત પર હજુ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એકથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે.

જોકે નોરતાના દિવસો દરમિયાન વરસાદ સાંજના 4 થી 5 વાગ્યા સુધીમાં જ વરસી જશે. આ અંગે હવામાન વિભાગના સૂત્રો વધુમાં જણાવે છે કે, આ વર્ષે પુષ્કળ વરસાદ વરસ્યો છે એટલે નદી-નાળા અને ડેમમાં વિપુલ પ્રમાણમાં જળજથ્થો છે. આથી ભેજના પ્રમાણના કારણે લોકલ સિસ્ટમ ડેવલપ થશે અને તે સાંજ સુધીમાં જ વરસી જશે એટલે રાત્રી દરમિયાન વરસાદ આવવાની સંભાવના નહીંવત છે.

5મી ઓક્ટોબરથી પોસ્ટ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે એટલે કે ચોમાસાના વિદાયના દિવસોની શરૂઆત થશે. પોસ્ટ મોન્સૂન એક્ટિવિટીમાં પણ અમુક સ્થળે સારો વરસાદ વરસી જશે જો કે તે સાર્વત્રિક નહીં હોય. 10મી ઓક્ટોબર બાદ હાલના સંજોગોમાં કોઇપણ સ્થળે વરસાદ પડવાની શક્યતા નહીંવત છે અને 11મી ઓક્ટોબરથી શિયાળાની શરૂઆતના દિવસોમાં જેવું વાતાવરણ હશે તેવી સ્થિતિનું નિર્માણ શરૂ થઇ જશે.

હવામાન ખાતાની આગાહી ખાસ કરીને નવરાત્રીના સંચાલકો માટે સારા સંકેત આપી રહી છે. ધંધાદારી આયોજકો માટે પણ ખુશીના સમાચાર છે કે, વરસાદ પડશે તો પણ સાંજના 4 થી 5 વાગ્યા સુધીમાં જ એટલે રાત્રી દરમિયાન અર્વાચીન અને પ્રાચીન ગરબીના આયોજનમાં કોઇ વિઘ્ન નહીં નડે. આ વખતે મેઘરાજાએ ખેડૂતોને ખુશ કર્યા છે. તેવી રીતે ગરબીના સંચાલકોને પણ મોજ કરાવશે અને સાથોસાથ માતાજીની આરાધનાના દિવસો હોવાથી જગદંબાનું પણ માન જાળવશે.

રાજકોટમાં આખા દિવસમાં ઝરમર 10 મીમી
શહેરમાં સતત બીજા દિવસે વરસાદ સવારથી સાંજ સુધી ઝરમર વરસ્યો હતો. બપોરે 11 કલાકે વરસાદ પડવાની શરૂઆત થઇ હતી અને ત્યારબાદથી જ થોડી થોડી વારે ઝાપટું આવે અને પછી ઝીણા છાંટા પડતા હતા. બપોરના સમયે થોડી કલાક બંધ રહ્યા બાદ સાંજના સમયે ફરી એ મુજબ હળવા ઝાપટાં પડ્યા હતા. આખો દિવસ વરસાદ પડ્યો હતો પણ ઝાપટાંને કારણે ફાયરબ્રિગેડના ચોપડે માત્ર 10 મીમીનો જ વરસાદ નોંધાયો છે. શુક્રવારે પણ આ જ રીતે દિવસભર છાંટા પડ્યા હતા. જોકે શુક્રવારની સરખામણીએ પવનો ન ફૂંકાતા વૃક્ષો પડવાની કે બીજી કોઇ ફરિયાદ આવી નથી. બે દિવસથી વરસાદને કારણે તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...