નમૂના ફેલ થતાં 4 સામે કાર્યવાહી, 5 ગોલાવાળાના સેમ્પલ લેવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટ મનપાના ફૂડ વિભાગે અગાઉ અલગ-અલગ સ્થળોએથી લીધેલા મસાલા અને અન્ય આઇટમોના ચાર નમૂનાઓ વડોદરા ખાતેની લેબોરેટરીમાં ચકાસણી દરમિયાન ફેલ જતા ચાર વેપારીઓ સામે ફૂ઼ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કેસ ચલાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇ વધુ પાંચ ગોલાવાળાના સ્થળેથી સીરપના નમૂના લેવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ સર લાખાજીરાજ રોડ પર પ્રહલાદ સિનેમા સામે ક્રિમી સેન્ટર, ગોવિંદબાગ બ્રાહ્મણિયાપરા શેરી નં.2માં આવેલી શ્રીરામ ડેરી, ઉમિયાજી મસાલા માર્કેટમાં આવેલા રઘુવીર મરચાં અને મારુતિ મસાલા ભંડારમાંથી લીધેલા નમૂના ફેલ જતા તેની સામે એડ્યુજીડિકેટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં દંડની જોગવાઇ છે.

કાલાવડ રોડ પર રામ ઔર શ્યામ ગોલાવાલાને ત્યાંથી રાજભોગ ફ્લેવર્ડ સીરપ, પેડક રોડ પર સેટેલાઇટ ચોકમાં પાઇનેપલ ફ્લેવર્ડ સિન્થેટિક સીરપ, ઇન્દિરા સર્કલ પાસે સોમેશ્વર આઇસ ગોલામાંથી લીંબુ લેમન આઇસ ગોલાના પ્રીપેર્ડ લૂઝ, પ્રગતિ કોમ્પ્લેક્સમાં આવેલા રાજ ગોલામાંથી કેડબરી ફ્લેવર્ડ સિન્થેટિક સીરપ અને કાલાવડ રોડ પર અન્ડરબ્રિજ પાસે આવેલા જય ભવાની એન્ટરપ્રાઇઝમાંથી સ્ટ્રોબરી ક્રસના તેમજ આઝાદ હિન્દ ગોલાવાળાના સેમ્પલ લઇ વડોદરા ખાતે સરકારી લેબમાં પરીક્ષણ માટે મોકલાયા છે.

કોલ્ડ્રીંકસના 3 ધંધાર્થીને ત્યાં તપાસ
રાજકોટ મનપાના ફૂડ શાખાના અધિકારીઓએ લીંબુઝ કોલ્ડ્રીંકસ, જીગર પાન એન્ડ કોલ્ડ્રીંકસ અને જીત કોલ્ડ્રીંકસમાં ચેકિંગ હાથ ધરી 50 નંગ વાસી પફ, 4 લિટર કોલ્ડ્રીંકસ અને 500 ગ્રામ વાસી કાપેલા લીંબુના જથ્થાનો નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...