તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Private Agencies Not Recognized By The Government Cannot Conduct The Exam 073620

સરકાર માન્ય ન હોય તેવી ખાનગી એજન્સીઓ પરીક્ષા નહીં યોજી શકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

રાજ્યની સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં સરકાર માન્ય ન હોય તેવી ખાનગી એજન્સી કે વ્યાપારી કંપનીઓ કે ઓનલાઇન લર્નિંગ એપ્લિકેશન ધરાવતી કંપનીઓ દ્વારા પરીક્ષા યોજી શકાશે નહીં તેવો પરિપત્ર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જારી કરવામાં આવ્યો છે.

આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ પૈકી કેટલીક ખાનગી અને સરકારી શાળાઓમાં ખાનગી એજન્સી કે ખાનગી વેપારીઓ કે ઓનલાઇન લર્નિંગ એપ્લિકેશન ધરાવતી કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓની વિવિધ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવે છે અને તેના કારણે વિદ્યાર્થીઓનું માનસિક ભારણ વધે છે તેવી વાલીઓ દ્વારા મૌખિક રજૂઆતો મળેલી છે. ઉપરાંત આ ખાનગી એજન્સી કે વ્યાપારી કંપનીઓ કે ઓનલાઇન લર્નિંગ એજન્સી ધરાવતી કંપનીઓ દ્વારા શાળાઓમાં યોજવામાં આવતી આવી પરીક્ષાઓનું પરિણામ જાણવા વાલીઓને સબંધિત કંપનીની ઓનલાઇન એપ્લિકેશન રજિસ્ટ્રેશન અથવા શાળામાંથી વાલીઓનો સંપર્ક નંબર મેળવી વાલીઓ પાસે સબંધિત ખાનગી એજન્સી કે વ્યાપારી કંપનીઓ દ્વારા સાહિત્ય, કોર્સ ખરીદવા દબાણ કરવામાં આવે છે તેવી પણ વાલીઓ દ્વારા મૌખિક રજૂઆતો મળી છે.

આથી સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં આ પ્રકારની કોઇપણ ખાનગી એજન્સી કે વ્યાપારી કંપનીઓ દ્વારા શાળાઓનો બારોબાર સંપર્ક કરી વિદ્યાર્થીઓની કોઇપણ પ્રકારની પરીક્ષા લેવામાં ન આવે તે માટે તથા શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક નંબર આવી એજન્સીને આપવામાં ન આવે તે માટે જરૂરી સૂચના આપવા આદેશ આપવામાં આવ્યો છે. જો કોઇ શાળા આવી પરીક્ષા યોજવા માગતી હોય તો સબંધિત શાળાએ સબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી લેવી પડશે.

અન્ય સમાચારો પણ છે...